ગુજરાતમાં કોરોનાનાં કહેર હજુ યથાવત છે. ત્યારે આ વાયરસ સામાન્ય નાગરિકથી લઇને સેલિબ્રિટીને પણ પોતાની ઝપટમાં લઇ રહ્યો છે. તાજેતરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર કહેવાતા નરેશ કનોડિયા હવે કોરોનાની ઝપટમાં આવી ગયા છે. 

     ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુપર સ્ટાર કહેવાતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.શરૂઆતમાં જ્યારે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા હતા ત્યારે તેમનુ એક ગીત ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ એ સૌ લોકોનું ધ્યાન તેમના તરફ ખેચ્યુ હતુ. નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાનાં જલ્દી ઠીક થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે. કોરોના વાયરસ સંક્રમણનાં કેસો ગુજરાતમાં વધી રહ્યા છે. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી.

   ગુજરાતી ફિલ્મો ઈન્ડસ્ટ્રીનાં સૌથી મોટા કલાકાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943 નાં રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.