મહારાષ્ટ્રમના જલગાંવમાં એક દર્દનાક ઘટના ઘટી છે. એક જ પરિવારના ચાર સગીર વયના બાળકોની કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે માતા પિતા ઘરથી બહાર ગયા હતા, તે સમયે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બાળકોની હત્યા કરવામાં આવી છે. જલગાંવના બોરખેડા ગામની આ ઘટના છે. મૂળ તો આ પરિવાર મધ્ય પ્રદેશનો છે, જે ખેતીકામ કરવા માટે જલગાંવ આવ્યો હતો.
આ ઘટનાના કારણે તે વિસ્તારના લોકોમાં ગુસ્સાનો માહોલ છે. સવારના સમયે બોરખેડા ગામના ખેતચરમાંથી આ ચારેય બાળકોની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા જ પોલિસ અને પ્રશાસન ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. કામધંધાની શોધમાં આ પરિવાર મધ્ય પ્રદેસથી જલગાવ આવ્યો હતો. મહતાબ અને તેની પત્ની રુમલી બાઇ બોરખેડા ગામના મુસ્તફા નામના વ્યક્તિની ખેતી કરવા રોકાયા હતા. પરિવારમાં આ દંપતિ અને તેના ચાર બાળકો હતા.
પોતાના વતન મધ્ય પ્રદેશમાં કંઇક કામ હોવાના કારણે પતિ પત્ની બાળકોને બોરખેડાના ઘરમાં મૂકીને પોતાના ગામ ગયા હતા. જે બાળકોની હત્યા થઇ છે તેમાં 12 વર્ષની બાળકી સઇતા, 11 વર્ષનો રાવલ, 8 વર્ષનો અનિલ અને 3 વર્ષની સુમનનો સમાવેશ થાય છે. આ ચાર બાળકોની લાશ તેઓ જ્યાં કામ કરતા હતા તે મુસ્તફાના ખેતરમાંથી જ મળી છે. બાળકોની હત્યા કોણે કરી તે હજુ જાણી શકાયું નથી
પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય બાળકોની હત્યા કુહાડી વડે કરવામાં આવી છે. પોલિસને શંકા છે કે ચારે હત્યા માટે એક જ કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ આખા વિસ્તારને પોલીસે સીલ કરી દીધો છે.