સમગ્ર દેશભરમાં દીકરીઓ પરના અત્યાચારો માં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દીકરી સાથે પ્રથમ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાતના જામનગરમાં પણ એક બાદ એક દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવી રહી છે. ત્યારે આ બનાવોના પડઘા રાજકોટ શહેરમાં પડ્યા છે. રાજકોટ શહેરમાં રહેતી 50થી વધુ યુવતીઓએ સ્વરક્ષણ માટે હથિયાર ચલાવવા માટેની ટ્રેનિંગ તેમજ હથિયારનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ આપવાની માંગણી કરી છે.
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે 50થી વધુ યુવતીઓ એકઠી થઈ હતી. સાથે જ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. એકઠી થયેલી યુવતીઓએ ‘આવાજ દો હમ એક હૈં’ સહિતના નારા લગાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં યુવતીઓએ જણાવ્યું હતું કે, દેશભરમાં તરુણીઓ અને સ્ત્રીઓ પર અત્યાચારની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રશાસન પણ જ્યારે પીડિતોને ન્યાય અપાવવા માટે સક્ષમ નથી ત્યારે હવે સમય આવી ગયો છે કે તરુણીઓ, યુવતીઓ કે સ્ત્રીઓએ પોતાની રક્ષા જાતે જ કરવી પડશે અને દીકરીઓ ઉપર અત્યાચાર કરનાર નરાધમોને ખુદ પીડિત દીકરી જ સજા આપે.
જો કોઈ પણ વ્યક્તિ તેમની સાથે અનિચ્છનીય વર્તન કરે છે તો તેમને સજા આપી શકે તે માટે અમે હથિયારના લાઇસન્સની માંગ કરી છે. કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહેલી યુવતીઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા પાંચ મિનિટ માટે ડિટેઇન પણ કરવામાં આવી હતી. જોકે, કલેક્ટરે આવેદન સ્વીકારવાની હા પાડતા તમામ યુવતીઓને મુક્ત કરી દેવામાં આવી હતી. જો ખરેખર દુષ્કર્મ બાબતે સરકારી કાયદાતંત્રમાં સુધાર ન આવે તો આજ તો રાજકોટની કિશોરીઓ લાઇસન્સ માટે અપીલ કરી છે કાલે આખા ગુજરાત કે આખા ભારતની કિશોરીઓનો આ નિર્ણય બની જાય.