પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા રાજ્ય સરકારના મંત્રીઓ ગણપત વસાવા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ અને ઈશ્વરસિંહ પટેલ તથા આ પેટાચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી તેમજ વિધાનસભાના ઇન્ચાર્જ આઇ. કે. જાડેજા અને પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણમાં કેન્દ્રની અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકારે સાતત્યપૂર્ણ રીતે પ્રજાહિતના અનેક નિર્ણયો અને લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને મળી રહ્યો છે. ભાજપાએ હંમેશા સંગઠન થકી સેવાને પ્રાધાન્ય આપ્યું છે, દરેક કુદરતી આફત અને મુશ્કેલ સમયમાં ભાજપના કાર્યકર્તાઓ નાગરીકોની વચ્ચે જઈને મદદરૂપ બન્યા છે. ભાજપા આજે તમામ વર્ગ અને સમુદાયમાં અપ્રતિમ લોકચાહના ધરાવે છે ત્યારે તેઓએ હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસથી મતદારો પાસે જવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભાજપા એ સૌથી મોટું રાજકીય સંગઠન બન્યુ છે ત્યારે પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી વધી જાય છે. ભાજપાના વિચારો અને રાષ્ટ્રસેવાની ભાવના જનજન સુધી ઉજાગર થાય એ દરેક કાર્યકર્તાનું પ્રાથમિક લક્ષ્ય છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવા માટે સરકારી તંત્રની સાથે સાથે ભાજપા કાર્યકર્તાઓ પણ વિવિધ યોજનાઓની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડી પોતાનું યોગદાન આપે.
આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ ઉપસ્થિત સૌને ચુંટણી વ્યવસ્થાપન, આયોજન અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.સી.આર.પાટીલે આપેલા નિવેદનમાં લોકોની સહમતી કેટલી છે એ તો થોડા સમયમાં યોજાનાર ચુંટણીના લોક નિર્ણયો પરથી જ નક્કી થશે.