ઝઘડિયા તાલુકાના જૂના પોરા ગામ પાસે નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા રાજપારડીના યુવાનને મગર ખેંચી ગયો હતો. યુવાનને મગર ખેંચી જવાની ઘટનાને 24 કલાક બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો નથી. રાજપારડી પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ યુવાનની શોધખોળ કરી પરંતુ તેમને નિષ્ફળતા મળી હતી.
મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રહેતો 35 વર્ષીય દિનેશ ડાહ્યાભાઇ વસાવા માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે તે જૂના પોરા ગામ પાસે નર્મદા કિનારે માછીમારી કરવા માટે ગયો હતો. દિનેશ માછીમારી કરતો હતો, તે દરમિયાન મગરે તેની પર હુમલો કરી દીધો હતો. તેને મગરના જડબામાંથી છોડાવવાના પ્રયાસો કર્યાં હતા, પરંતુ મગર યુવાનને ખેંચી ગયો હતો. આ બાબતે સ્થાનિક લોકોએ રાજપારડી પોલીસને જાણ કરી હતી અને જૂના પોરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદ લઇને નદીમાં લાપતા થયેલા દિનેશ વસાવાને શોધવા કામગીરી હાથ ધરી હતી.