એવું જાણવા મળે છે કે ૧૮૫૬ માં રાણી વિકટોરિયાના તાજ જેવા આકારની ટપાલપેટીઓ જોવા મળતી હતી. જે મળતી માહિતી મુજબ સિલિન્ડર આકારની ડિઝાઇન બ્રિટનના થોમસ સુટી એન્ડ સન્સે બનાવી હતી. હાલમાં ભારતના કોલક્તામાં આ વિકટોરિયાના તાજ આકારની ટપાલપેટી જોવા મળે છે.
મિત્રો પહેલા પત્ર પેટિકા (લેટર બોકસ) તરીકે ઓળખાતી ટપાલ પેટીઓની ડિઝાઇનનો પણ ઇતિહાસ રહયો છે. વિશ્વમાં સિલેન્ડર આકારના લેટર બોકસ વિશ્વમાં સૌથી વધુ જાણીતા છે. આ ટપાલ પેટીની ડિઝાઇન તૈયાર કરવાનો જશ થોમસ સુટી એન્ડ સન્સને જાય છે જેમણે ૧૮૪૦માં પ્રથમવાર ૫૦ બોકસ તૈયાર કર્યા હતા. ૧૮૬૬ થી ૭૯ વચ્ચે બધી જ ટપાલ પેટીઓને લાલ રંગથી રંગવામાં આવી હતી.
ભારતમાં લાલ રંગની સિલિન્ડર પ્રકારની ડિઝાઇન સૌથી વધુ પ્રચલિત બની છે. ટપાલ પેટીના લાલ રંગને દુનિયાના અનેક દેશોએ અપનાવ્યો છે. લાલ રંગ દૂરથી પણ દેખાઇ જાય છે આથી ટપાલ પોસ્ટ કરનારી કોઇ અજાણી વ્યકિતને ટપાલ પેટી શોધવા ખાસ મહેનત પડતી નથી. એક જમાનો હતો જયારે લોકો પત્રોના માધ્યમથી લગ્નકાર્ડ, ગ્રેટિંગકાર્ડ અને જમીન સંબંધી કાગળો તથા ઇનામ સ્પર્ધામાં પુછાતા પ્રશ્નોના જવાબ ટપાલ પેટીથી મળતા હતા.
ભારતમાં પોસ્ટ સેવાનો પ્રારંભ અંગ્રેજોના શાસન દરમિયાન ઇસ ૧૮૫૬માં થયો હતો. કોલકાતા રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ મહત્વનું કેન્દ્ર હોવાથી પોસ્ટલ સેવાનો સારો વિકાસ થયો હતો. કોલકતાના જુના શહેર વિસ્તારમાં આજે પણ રાણી વિકટોરિયાના તાજ આકારના લેટર બોકસ જોવા મળે છે. ત્યાર પછી કમળ આકારના લેટર બોકસની પણ ખૂબજ ચર્ચા ચાલી હતી જેને ડિઝાઇનર પેનફોલ્ડે તૈયાર કરી હતી. આથી તેને પેનફોલ્ડ લેટર બોકસ પણ કહેવામાં આવે છે.
આઝાદી પછી ભારતમાં સિલિન્ડર ઉપરાંત સામાન્ય પ્રકારની ચોરસ ટપાલ પેટીઓનો પણ ઉપયોગ શરુ થયો હતો. ટપાલ પેટીઓની ડિઝાઇન સમયની સાથે બદલાતી રહી પરંતુ તેનો નળાકાર આકાર સૌથી વધુ પ્રચલિત રહયો છે. ભારતને આઝાદી અપાવવામાં રેલવે અને ટપાલ સેવાનો મોટો ફાળો રહયો હતો. રેલવેના કારણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું સરળ બન્યું જયારે ટપાલ સેવાથી આઝાદીના લડવૈયા, સ્વાતંત્રસેનાનીઓ અને સાહિત્યકારોએ પત્ર વ્યહવાર કરતા વૈચારિક જાગૃતિ માટેના સાહિત્યનું સર્જન થયું હતું. અંગ્રેજોની ટપાલ વ્યવસ્થા તેમના સામરીક અને વ્યાપારી હિતો પુરા કરવા માટે હતી પરંતુ આઝાદી પછી રાષ્ટ્ર નિર્માણમાં ટપાલ સેવાનો ખૂબ મોટો ફાળો રહયો છે.આ ટપાલ સેવા ભારતમાં ભવિષ્યમાં પણ કાર્યરત રહે એ માટે સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લઇ અસરકારક પગલાં ભરવા આજે જરૂરી જણાય છે.