નર્મદા ડેમના કારણે ગુજરાતના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચે છે. પરંતુ બીજી તરફ નર્મદા ડેમની નજીકના જ વિસ્તારોમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યાં હોવાની ઘણી ફરિયાદો તંત્ર પાસે આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સંબંધિત વિવિધ આંદોલન થાય છે અને તંત્ર સરકાર વિરોધી આંદોલન ગણે છે. ત્યારે ભરૂચ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા એ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંબંધિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ફરિયાદ કરતો એક સણસણતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે. જેમાં એમણે પોતે એવું કબુલ્યું છે કે નર્મદા ડેમનું પાણી સ્થાનિકોને સિંચાઈ માટે મળતું નથી.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે “સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ છે પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક આર્કિટેક, એન્જિનિરિંગમાં ખામી હોવાની આશંકા છે. વિયર ડેમના કારણે પાણીનો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે. નર્મદા પુરાણમાં જે પ્રખ્યાત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે, ત્યાંના પરિક્રમા સ્થળ પર પાણીના પ્રવાહને લીધે મોટું નુકસાન થયું છે.
ગરુડેશ્વર કાંઠા વિસ્તારના બંને બાજુના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. જ્યારે ઇન્દ્રવાણા, બોરિયા, પિપરિયા, ગભાણા, કેવડીયા જેટલા ગામોના ખેડૂતોની જમીન વિયર ડેમને કારણે ડૂબી જાય છે. તેનાથી વધુ નુકશાન થાય છે. પ્રખ્યાત દત્ત મંદિરના પટાંગણમાં આદિવાસી બાળકો માટે ધોરણ 1 થી 8 સુધી ચાલતી આશ્રમ શાળામાં પણ નર્મદામાં વધુ પાણી આવતા નુકસાન થયું છે.
નર્મદા પરિયોજના અને વિયર ડેમમાં સ્થાનિક ગરીબ આદીવાસી સમાજે પોતાની કિમતી જમીનનું બલિદાન આપ્યું છે. ત્યારે સ્વભાવિક છે કે આ પ્રોજેટમાં સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ. 1961થી આજ સુધી સરકારોએ સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવાના ખોટા સપના બતાવ્યા છે. પરંતુ આપના પ્રયાસથી વિસ્તારના કેટલાક લોકોને રોજગારી મળે છે. પરંતુ આ પરિયોજનામાં જમીન આપનાર કેટલાક આદિવાસી પરિવારોને રોજગાર અને સહાયતા મળી નથી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેઓ અસંતુષ્ટ છે. જયારે સ્થાનિક લોકોને નર્મદા ડેમનું પાણી સિંચાઇ માટે મળે તેવા મુદ્દાઓ પર ધ્યાન આપી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવા વિનંતી છે.”