સમગ્ર વિશ્વમાં તા. 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ એલ્ઝાઈમર ડે (સ્મૃતિ ભ્રંશ દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. માનસિક રોગનાં અનેક પ્રકાર છે, જેમાં મહતમ 60 વર્ષની ઉંમર પછી થતો આ એક મનોરોગ છે. એલ્ઝાઈમરમાં દર 27 વૃદ્ધોમાંથી એક વૃદ્ધ રોગથી પીડાય છે. જેમાં જેમ જેમ ઉંમર વધે તેમ આપણી યાદ રાખવાની શક્તિ ક્ષીણ થતી જાય છે.
આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે સાઠે (60 ) બુદ્ધી નાઠીએ કથન એલ્ઝાઈમર કે સ્મૃતિ ભ્રંશના રોગને લાગુ પડે છે. આ માનસિક રોગનો એક પ્રકાર છે જેની યોગ્ય સારવાર મળે તો આ રોગ કાબુમાં આવી શકે એમ છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ એલ્ઝાઈમર રોગની સારવાર આપવામાં આવી રહી છે.
વિશ્વમાં દર વર્ષે 21 સપ્ટેમ્બરનાં રોજ એલ્ઝાઈમર ડીસીઝ ઇન્ટરનેશનલ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સયુંકત ઉપક્રમે એલ્ઝાઈમર ડીમેન્સીયા પ્રત્યે જાગૃતિ આવે અને આ રોગ પ્રત્યેનો ક્ષોભ દુર થાય તે હેતુથી વિશ્વભરમાં જનજાગૃતિનાં કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં આ વર્ષે “ચાલો ડીમેન્સીયા વિશે વાતો કરીએ”ની થીમ સાથે કાર્યક્રમો થનાર છે. ડીમેન્સીયાને ગુજરાતીમાં સ્મૃતિ ભ્રંશ અથવા મનોનાશ પણ કહેવામાં આવે છે. ડીમેન્સીયા મોટા ભાગે વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા મળતો અને યાદ શક્તિને અસર કરતો રોગ છે.
રોગ થવાના કારણમાં તબીબો જણાવે છે કે, જેમ ઉંમર વધે તેમ મગજનાં જ્ઞાનતંતુ વચ્ચે પ્રોટીનના ગઠ્ઠા થાય છે. તેમજ જ્ઞાનતંતુઓમાં પ્રોટીનનાં ગુચળા બનવા લાગે છે. જેથી કોશો વચ્ચેના સંકેત ધીમા થતા જાય છે અને જ્ઞાનતંતુઓ નાશ પામે છે. આથી મગજ સામાન્ય રીતે કામ કરી શકતું નથી અને યાદ શક્તિ નાશ પામે છે.
એલ્ઝાઈમરના લક્ષણો
વારંવાર ભૂલી જવું, યાદ ન આવવું , નવું યાદ ન રહે, વસ્તુ વ્યક્તિઓના નામ ભૂલી જવા, ગણતરીમાં લોચા પડે, સ્પષ્ટ અવાજ, સ્વાદ, ગંધ, ઓળખવામાં તકલીફ, બોલીને વાંચવામાં તકલીફ, સમય અને સ્થળનું ભાન ન રહે, જાણીતી ચીજો, માણસો અને સ્થળ ઓળખવામાં તકલીફ, વિચારવામાં અને સમજવાની શક્તિ ઓછી થાય, વ્યક્તિત્વમાં ફેરફાર, દૈનિક ક્રિયામાં ખલેલ, અયોગ્ય ઝાડા પેશાબ થઈ જવા, ઉશ્કેરાટ થવું આ બધા અલ્ઝાઇમરનાં લક્ષણો છે.
હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો
સરકાર દ્વારા એલ્ઝાઈમાર રોગ વિશે માર્ગદર્શન લેવું હોય તો જુદી જુદી હેલ્પ લાઈન શરૂ કરી છે. જેમાં 1800 272 3990 (એલ્ઝાઈમર એસો.ઓફ ઇન્ડિયા), 079 25601441 (હેલ્પેજ ઇન્ડિયા ), 98204 66726 (આશરા), 1800 233૩૩૩0 (જીવન આસ્થા ગાંધીનગર ) જેવી હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકો. સારવાર માટે નવસારી જિલ્લા માનસિક આરોગ્ય વિભાગમાં પણ મનોચિકિત્સક પાસે વિનામુલ્યે સારવાર લેવાનો નિર્ણય લઇ શકો છો.