મુંબઈ : ભારતીય હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કંગના રનૌત એક એવું નામ છે જે હંમેશાં ચર્ચામાં રહે છે, વિવાદોમાં રહે છે, ક્યારેક પોતાના અભિનયને લઈને તો ક્યારેક લડાઈ ઝઘડાઓને લઈને.આવો જોઈએ ક્વીન કંગનાની કરિયર સફર અને વિવાદોના વંટોળમાં વિટલાયેલા કિસ્સાઓને….
હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌડ સાથે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળ્યાં. મુંબઈમાં આવ્યા પછી કંગનાની સ્ટ્રગલ શરૂ થઈ પરંતુ તેમને સાથ મળ્યો આદિત્ય પંચોલીનો. બંનેની દોસ્તીની ઘણી ચર્ચા થઈ અને કંગનાને આદિત્ય પંચોલીની ગલફ્રેન્ડ પણ કહેવામાં આવ્યાં.
મંજિલની શોધ દરમિયાન કંગનાની મુલાકાત ફિલ્મકાર મહેશ ભટ્ટ સાથે થઈ જેમણે 2006માં અનુરાગ બાસુના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’માં કંગનાને લીડ રોલ આપ્યો. આ પહેલી ફિલ્મના રોલે કંગનાને ચર્ચામાં લાવીને મૂકી દીધાં કારણ કે આ રોલ પરવીન બાબીના જીવનથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો હતો.
કંગનાએ પોતાની પહેલી ફિલ્મમાં એટલો સારો અભિનય કર્યો કે ન માત્ર વાહવાહી મળી, તેમને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ ઍવૉર્ડ મળ્યો. વર્ષ 2007માં કંગનાની ‘વો લમ્હે’ અને ‘લાઇફ ઇન અ મેટ્રો’ જેવી ફિલ્મો કરી પરંતુ 2008માં આવેલી ફિલ્મ ‘ફૅશન’એ કંગનાને અલગ મુકામે પહોંચાડી દીધી. મધુર ભંડારકરની ફિલ્મ ફૅશન ઇન્ડસ્ટ્રીની કહાણી હતી જેમાં પ્રિયંકા ચોપરા મુખ્ય રોલમાં હતી અને કંગનાને નાનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ તે નાનો રોલ એટલો મજબૂત બન્યો કે તેમને સપોર્ટિંગ રોલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. આ વર્ષે તેમની ફિલ્મ ‘રાઝ-3’ રિલીઝ થઈ પણ એ દર્શકો પર પ્રભાવ પાડી ના શકી.
2008માં કંગના પોતાના સંબંધોને લઈને ચર્ચામાં ફરી આવ્યાં. રાઝ-3ના હીરો અધ્યયન સુમનની સાથે તેમના રિલેશનના સમાચારે હેડલાઈન બનાવવાની શરૂઆત કરી પરંતુ કેટલાક સમય પછી તેમનો સંબંધ તૂટી ગયો. ત્યાં સુધી કે કંગનાએ બોલીવૂડમાં પોતાના માટે સારો મુકામ મેળવ્યો.
કંગનાની સામે 2011માં આવી રૉમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’. કંગનાએ તક પોતાના હાથમાંથી જવા ન દીધી અને આ ફિલ્મે કંગનાની કરિયરને નવા મોડ પર પહોંચાડી દીધી. આ ફિલ્મની સીક્વલને એમ જ મોટી કામયાબી મળી અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ દિવસોમાં ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સફળતાની સાથે સાથે દર્શકોથી લઈને સમીક્ષકોની સરાહના પણ મેળવી. આ ફિલ્મનું ડિરેક્શન આનંદ એલ રાયે કર્યું હતુ અને કંગનાની સાથે આર માધવન મુખ્ય ભૂમિકામાં હતા.
2014ના વર્ષે કંગનાને બૉક્સ ઑફિસની ક્વીન બનાવી દીધી. આ વર્ષે ફિલ્મ ‘ક્વીન’ રિલીઝ થઈ અને કંગનાએ બોલીવૂડમાં પોતાની સફળતાની નવી ઇમારત ચણી દીધી. વિકાસ બહલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મે પણ કંગનાને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો. નસીબ કંગનાનું સાથ આપતું રહ્યું અને દરેક 2-4 ફ્લૉપ ફિલ્મ પછી એક એવી ફિલ્મ કરિયરમાં આવતી રહી જેણે કંગનાને ટૉપ પર બનાવી રાખ્યાં.
ગેંગસ્ટર, લાઇફ ઇન અ મેટ્રોની સફળતા પછી કંગનાએ આદિત્ય પંચોલીની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે દારૂ પીને શારીરિક ઉત્પીડન કર્યું. જોકે આદિત્ય પંચોલીએ કંગનાની સ્ટ્રગલમાં તેમનો સાથ આપ્યો હતો. તે દિવસો મીડિયાની ચર્ચાઓમાં હતા.
2010માં ફિલ્મ ‘કાઇટ્સ’ જ્યારે ફ્લૉપ થઈ તો કંગના અનુરાગ બાસુ સાથે લડ્યાં. અનુરાગ બાસુ તેમની પહેલી ફિલ્મ ગેંગસ્ટરના ડિરેક્ટર હતા. કંગનાએ તેમની પર આરોપ મૂક્યો કે કાઇટ્સમાં તેમને જેટલો મોટો રોલ દેખાડવામાં આવ્યો તેટલો મોટો રોલ હતો નહીં. આ ઉપરાંત ફિલ્મ રાઝ-3ની સફળતા પછી અધ્યયન સુમન સાથે બ્રેકઅપ થયું અને કંગના ઘણા વિવાદમાં રહ્યાં.
રિતિક રોશનની સાથે ઝઘડાના સમાચારો પણ ખુબ ચગ્યા. કંગનાએ રિતિક પર રિલેશનશિપના અનેક આરોપ લગાવ્યા હતા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કંગના અને રિતિકની એ લડાઈમાં અધ્યયનન સુમન પણ રિતિકના સમર્થનમાં ઊતર્યા હતા અને કહ્યું હતું કે કંગના કેવી રીતે તેમને ટૉર્ચર કરતી હતી. રિતિક પછી કંગના કરણ જોહરની પાછળ પડી ગયાં. કરણ જોહરને ‘મૂવી માફિયા’નો દરજ્જો આપી દીધો. કરણ જોહર પર નેપૉટિઝમના આરોપ લગાવ્યા અને દરરોજ કરણ જોહરને લડાઈના મેદાનમાં ખેંચ્યા. કરણના ડીરેક્શનમાં કંગનાની લીડ રોલ વાળી ફિલ્મ ‘ઉંગલી’ આવી હતી જે ફ્લૉપ ફિલ્મ હતી.
ફિલ્મ તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય, જેમણે કંગનાના કરિયરને નવા મુકામે પહોંચાડી તેમની સાથે કંગનાના સંબંધ બગડ્યા અને મીડિયામાં એવા સમાચાર આવ્યા કે આનંદ હવે કંગનાની સાથે કામ નહીં કરે. 2015 પછી બન્ને સાથે પણ જોવા મળ્યાં ન હતાં.
ફિલ્મ ‘સિમરન’ના રિલીઝ પહેલા કંગના ચર્ચામાં આવ્યાં. ફિલ્મના સાચા લેખક અપૂર્વ અસરાની હતા પરંતુ કંગનાએ પોતાનું નામ પોસ્ટર પર લખાવી દીધું. 2018માં જ્યારે મી ટુ મૂવમેન્ટની શરૂઆત થઈ ત્યારે કંગનાએ ઇન્ડસ્ટ્રી પર નિશાન તાક્યું. આરોપ પોતાની ફિલ્મ ‘ક્વીન’ના ડિરેક્ટર વિકાસ બહલ પર લગાવ્યો અને કહ્યું કે ‘વિકાસ વિચિત્ર રીતે અમારી સાથે ગળે મળતા હતા અને કહેતા હતા કે તારા વાળમાંથી સારી સુગંધ આવે છે.’
ફિલ્મ મણિકર્ણિકાના શૂટિંગ દરમિયાન પણ વિવાદ થયો અને ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવનાર સોનૂ સૂદે ફિલ્મ છોડી દીધી. ત્યાં સુધી કે ડિરેક્ટર કૃષ્ણે પણ ફિલ્મ વચ્ચે છોડવી પડી. પછી આ ફિલ્મને કંગનાએ જાતે જ ડિરેક્ટ કરી. કંગના રનૌત પોતાની પહેલી ફિલ્મથી એ ચોક્કસપણે જાણતાં હતાં કે તેમને કૅમેરા પર કેવી રીતે આવવાનું છે. કેવી રીતે તેઓ ચર્ચામાં બની રહેશે.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના રનૌતનું વલણ વધારે મજબૂત અને સખત થયું. તેમણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આડા હાથે લીધી. એકવખત ફરીથી કંગનાએ નેપૉટિઝમ અને મૂવી માફિયાના મુદ્દાને ઉછાળ્યો. કરણ જોહર હોય અથવા સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન, તમામ પર નિશાન તાક્યું. એટલું જ નહીં, તેમણે મહેશ ભટ્ટ સાથે પણ ઝઘડો કર્યો.
સુશાંતની ડેથ મિસ્ટ્રીમાં જ્યારે ડ્રગ આવ્યું તો કંગનાએ કહ્યું કે બોલીવૂડમાં 99 ટકા લોકો નશો કરે છે. જોકે કંગના કથિત રીતે ખુદને ડ્રગ્સથી દૂર રાખી શક્યાં નથી. ગત કેટલાક સમયથી કંગના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક મુદ્દે સામે આવે છે, સાથે દેશના મુદ્દા પર પણ સોશિયલ મીડિયામાં પોતાના વિચારો વ્યકત કરતાં જોવા મળે છે. કંગનાના આ નિવેદન મોદી સરકારના સમર્થનમાં સંપૂર્ણપણે જોવા મળે છે.
કંગના અનેક વખત ભાષાની મર્યાદાને તોડતાં નજર આવે છે. દિલ્હી હિંસા પર કંગનાનાં બહેન રંગોલીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીને સીરિયા બનાવી દીધું. આ બૉલિવૂડ જેહાદીઓની છાતીમાં ઠંડક થઈ ગઈ. કીડાઓની જેમ મસળી નાખો આમને. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ કંગના ન માત્ર કૂદ્યાં પરંતુ મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી જે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર છે.
કંગનાએ મુંબઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સુધી કહી નાખ્યું જેના પર રાજકારણ શરૂ થયું. ભાજપ અને શિવસેના આમને સામને ગયા. ભાજપ ખૂલીને કંગનાના સમર્થનમાં આવી ગયો અને કંગનાને વાય પ્લસ સિક્યૉરિટી સુધી આપવામાં આવી જે પછી અનેક લોકો એ અનુમાન કરી રહ્યા છે કે કંગના જલદી ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપ પણ તેમને પક્ષમાં સામેલ કરી શકે છે. નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે કહી ચૂક્યા છે કે ભાજપ કંગના રનૌતનું સ્વાગત કરશે.
સંદર્ભ: BBC ગુજરાતી