આપણા ભારતમાં લોકશાહી અને માનવ અધિકાર પંચ હોવા છતાં આદિવાસી લોકોના અધિકારોનું રક્ષણ થાય છે ? તેઓ પૂરતા બંધારણીય અધિકારો ભોગવી શકે છે ખરા ? જયાં લોકશાહી હોય ત્યાં માનવ અધિકારો હોવા જ જોઈએ લોકશાહી અને માનવ અધિકારો વચ્ચે ઉંડો સંબંધ છે એનું પાલન ન થાય તો એટલી એ લોકશાહીની શરમ ગણાય.

   આદિવાસી વિસ્તારોમાં સામાજિકની જેમ રાજકીય કાર્યકરો માનવ અધિકારનો સંપૂર્ણ અમલ કરાવવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છે. આપણા વિરોધપક્ષોએ અવારનવાર આ અંગે સરકારને રજૂઆત કરી પણ સરકારે આદિવાસી અધિકાર ભંગના કિસ્સાઓમાં ઉંડા ઉતરવાનું ટાળ્યું છે એ ખાસ નોંધપાત્ર છે. આપણા રાજ્યમાં આદિવાસીના અધિકારોનું રક્ષણ થાય એ તો જરૂરી છે જ પણ પાયાના અધિકારોનું જતન એ સૌથી મહત્વની બાબત છે. પ્રશ્ન એ છે કે આ બાબતમાં આદિવાસીઓના લીડરો અને જનસમૂહ જાગૃત બન્યા છે ખરા ? જવાબ નકારમાં છે.

 

   આમ તો આપણે ત્યાં આદિવાસીઓ પર વરસોથી પોલીસ દમન, વર્ગ વિગ્રહ, હરિજનો ઉપરના અત્યાચાર થતા આવ્યા છે અને એનું પ્રમાણ સતત વધતું જ જાય છે. એક વખત એકસપ્રેસ જૂથે માનવ અધિકારોનો ભંગ થતો હોય એવી સંખ્યામાં ઘટનાઓ ભેગી કરીને છાપી આ અહેવાલે દેશ અને દુનિયાનું ધ્યાન દોર્યું. ગુજરાતમાં કેટલીક સંસ્થાઓ છે કે જે આદિવાસી અધિકારોના જતનનું કામ કરે ? અને આદિવાસી અધિકારની સ્થિતિનો કયાસ કાઢીને દર વરસે એનો અહેવાલ બહાર પાડે તથા એ અહેવાલો ભેગા કરીને તારણ સમાજ અને સરકાર સમક્ષ જાહેરમાં મુકવાનું કાર્ય કરે.

    ભારત સરકારે માનવ અધિકારો અંગેના કરાર પર સહી કરી હોવા છતાં પણ એનો અસરકારક અમલ એ કરતી નથી. આપણે પોતાના રાજ્યમાં આ અંગે શું સ્થિતિ છે એની ચિંતા આપણે જ કરતાં નથી. આપણી સરકારોએ લોકશાહી અપનાવી છે પણ એની સાથે જાહેર નીતિમત્તા અને મૂલ્યો આપોઆપ જોડાયેલા છે. એ મુદ્દાનો ખુલ્લા દિલે સ્વીકાર કર્યો નથી.આ મૂળ વાત આપણે રીતસર યાદ નથી રહતી. આપણા ગુજરાતમાં નજર કરીએ તો અત્યારે જાતિ અને વર્ણ વ્યવસ્થાના ઉંડા મૂળ નાંખીને બેઠા છે. એટલી હદ સુધી કે ચૂંટણીમાં ઉમેદવારો પણ જાતિ અને કોમ ઉપરથી નક્કી થાય. દરેક રાજકીય પક્ષ પોતપોતાના મૂલ્યો પોતાની સગવડ મુજબ જુદા રાખે છે. રાજ્ય અને એના ભવિષ્યની કોઈને પડી નથી.

   આપણે ત્યાં કહેવાતી લોકશાહી હેઠળ જ આદિવાસીઓ પર માનવતા લજવે એવા અત્યાચારો થાય ત્યારે થોડો સમય આપણે બધા ઉહાપોહ અને કોલાહલ કરીએ છીએ તો પછી બધું ભૂલી જઈએ છીએ. હવે તો આવા બનાવોનું પુનરાવર્તન એટલું બધુ વધી ગયું છે કે આપણે બધા એનાથી ટેવાઈ ગયા છીએ. અને આપણે આંખો બંધ કરીને મોઢું ફેરવી લઈએ છીએ. આ તો દેશ વ્યાપી દૂષણ છે. એમ કહીને એનો બચાવ પણ કરીએ છીએ. અધિકાર એ દરેક રાજ્ય અને દેશમાં દરેક કાળમાં પ્રસ્તુત અને જરૂરી છે. આમ આદિવાસીના હિતને ધ્યાને લઇ તેના અધિકાર અંગેનો નિર્ણય હવે સરકાર લેવો જ રહ્યો.