ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ અને ઉત્સવો ઉજવવા માટે રાજ્ય સરકાર મંજુરી આપવાનું શરુ કરવાનું વિચારી રહી છે ત્યારે જાગૃત યુવા અને સમાજના હિતચિંતકોનું કહેવું છે કે જો આ બધું શરૂ થતું હોય તો જાહેર વાંચનાલય શા માટે બંધ છે ? હાલના સમયમાં હકીકતમાં તો વિદ્યાર્થીઓ અને વાચકોને તેની અત્યારે જ સૌથી વધુ જરૂર જણાય છે. આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની નગરપાલિકાની અને પંચાયતો દ્વારા સંચાલિત બધી લાયબ્રેરીઓ બંધ છે. આ બધી જ પુસ્તકાલય કયારે શરૂ થશે તેની કોઈ ખબર નથી આ વિષય પર સરકારના જિમ્મેદાર અધિકારીએ પોતાનું મોં બંધ કરીને બેઠા છે અને સરકાર પણ આ મુદ્દાને ધ્યાન આપતી નથી એવી ફરિયાદ વાચકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં પાલિકાના વહીવટકર્તાઓ તો એ રીતે વર્તી રહ્યા છે કે વાચનાલય કોઇ પ્રાથમિકતા જ ન હોય. કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં રેસ્ટોરાં, જીમ, હેલ્થ કલબ, વાચનાલયો માર્ચ મહિનાથી બંધ કરાયાં હતાં. હવે ઓગસ્ટ પૂરો થવા આવ્યો છે. તો પણ હજુ શરૂ થવાના અણસાર દેખાતા નથી
હાલમાં જ્યારે શાળા–કોલેજ બધું બંધ છે અધૂરામાં પૂરું લાયબ્રેરીઓ પણ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓ શું વાંચતા હશે ? એવો પ્રશ્ન આપણી સંવેદનશીલ સરકારને થાય એવી અપેક્ષા લોકો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે કોરોનાના સમય પહેલા વિદ્યાર્થીઓ અને પરીક્ષાલક્ષી વાંચન કરતા વાચકોની તાલુકા કેન્દ્રસ્થ પુસ્તકાલયમાં ભીડ થતી હતી એ જ તેની ઉપયોગિતા સૂચવે છે. આ શહેરમાં વાચન રસિક સિનિયર સિટીઝન પણ રાહ જોઇ રહ્યાં છે. સરકાર/નગરપાલિકા આ અંગે ચુસ્ત ગાઇડલાઇન નકકી કરે અને તે હેઠળ ફરી પુસ્તકાલયો શરૂ કરે એવી લોક માંગણી છે.
સરકાર જલ્દીથી પુસ્તકાલયોના બંધ દરવાજા ખોલી વિદ્યાર્થીઓ અને વાચકોના અભ્યાસના હિતમાં નિર્ણય લે અને લોકનિર્ણયો ને માન આપે તો ભલું ભલું..