ચીખલી: ફરીથી એક વખત સેવાકાર્યમાં સતત લોકોની પડખે રહેતી ચીખલીની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ.આર.દેસાઈ આર્ટ્સ અને ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજ તથા બીસીએ કોલેજ કોરોનાના કપરા કાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે શિક્ષણના પગથીયા ચડવા માટે મદદરૂપ થવા કાર્યરત બન્યા સામે આવ્યું છે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ જણાવે છે કે છેલ્લા દોઢેક વર્ષથી ચાલતી કોરોનાની ગંભીર મહામારીમાં ઘણા લોકોએ ઘરના આધાર ગુમાવ્યા છે. ઘણા સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે કોરોનાની કપરી સ્થિતિમાં બાળકોના અભ્યાસ માટે પુસ્તકો તેમજ ફી નો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો છે આ કારણે વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંસ્થા દ્વારા કોરોનામાં માતા પિતા બન્ને ગુમાવનાર સંતાનોને વિના મૂલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Decision Newsને મળેલી વિગતો અનુસાર કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ચીખલી કોલેજનું ટ્રસ્ટી મંડળ કોરોનામાં અનાથ થયેલ બાળકોને મફત શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧-૨૨ ના એડમિશનની પ્રક્રિયા થોડા સમયમાં શરૂ થનાર છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો દૂર કરવા માટે બીસીએ કોલેજ દ્વારા હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે.

