ભરૂચ: આજરોજ ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘના ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઇ વસાવાએ દિલ્હીના સીધું બોર્ડર ખાતે કૃષિ વિરોધી ત્રણ કાયદાના વિરોધમાં છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા આંદોલનકારીઓની મુલાકાત કરી સમર્થન જાહેર કર્યું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે સંયુક્ત કિસાન મોર્ચાના આંદોલનકારીઓ અને આગેવાનો દ્વારા એમનું સ્વાગત કરી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ આંદોલનની શરૂઆતમાં પણ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવાએ રાકેશ ટીકૈતજીના સમર્થનમાં આવ્યા હતા. રાકેશ ટીકૈત જ્યારે ગુજરાત પ્રવાસે હતા ત્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘ દ્વારા અંકલેશ્વર ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજની બેઠકમાં સંયુક્ત કિસાન મોર્ચા અને ફેડરેશનના આગેવાન હિંમતસિંહ ગુજ્જર, ગુરુબિત સિંહ માનગાડ, સુખજીતસિંહજી, સુરજીતસિંહજી જેવા આગેવાનો સાથે બેઠક યોજી ગુજરાતના ખેડૂતોને આ કાળા કાયદાઓની અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આવનાર સમયમાં આ ત્રણે કાળા કાયદાઓને રદ કરાવવા માટે ગુજરાતમાં ખેડુત આંદોલનને લઈને ચર્ચા કરવામાં આવી હતી.