આજની કેન્દ્ર સરકારની હાઈ લેવલની મીટિંગમાં રાજ્યોમાં યોજાનારી 12 મા ધોરણની પરીક્ષાની તારીખોની જાહેરાત 1 જુને થઈ શકે છે અને જુલાઈમાં પરીક્ષા લેવાઈ શકે છે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે CBSE ની પરીક્ષાના આયોજન માટે બે વિકલ્પ રજૂ કર્યાં છે. જોકે તેની તારીખ અને ફોર્મેટ હજુ નક્કી થયા નથી. પરંતુ 1 જૂને તારીખોની જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારે કોરોના પ્રોટોકોલ હેઠળ જુલાઈમાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બીજી તરફ રાજ્યોમાં 12 મા ધોરણની પરીક્ષા લેવાનો નિર્ણય રાજ્ય બોર્ડ પર છોડાયો છે. હાલની કોરોના મહામારીને જોતા CBSE ધોરણ 12 ના મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનો વિચાર કરી રહ્યું છે. 12 મા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના ફક્ત 3 વિષયોની પરીક્ષા લેવાનો વિચાર કરાઈ રહ્યો છે. બાકીના વિષયોમાં મુખ્ય વિષયોમાં મળેલા માર્ક્સને આધારે માર્કિંગ ફોર્મ્યુલા બની શકે છે.
મીટિંગમાં થયેલ વાતો
1. સિસોદીયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યાં. કેટલાક પસંદગી પામેલા 19-20 મુખ્ય વિષયોની પરીક્ષા લેવા. અને તેને આધારે બાકીના વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવે.
2. 12 મા ધોરણની પરીક્ષા સ્કૂલમાં જ લેવાય.પરીક્ષનો સમય 3 કલાકને બદલે દોઢ કલાકનો રાખવો. સ્કૂલમાં પેપરની ચકાસણી થાય.
3. છેલ્લા 2-3 વર્ષના શૈક્ષણિક રેકોર્ડ પ્રમાણે 12 મા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તૈયાર કરવાનો દિલ્હી સરકારનો પ્રસ્તાવ છે.
4. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવે.
5. દિલ્હી સરકાર 12 મા ધોરણની પરીક્ષા કરાવવાના પક્ષમાં નથી.
6. સ્પર્ધાત્મક પરીક્ષા નીટ, જેઈઈ લેતા પહેલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવે ત્યાર બાદ આ પરીક્ષા લેવાનો પણ દિલ્હી સરકારનો પ્રસ્તાવ છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં 12 મા ધોરણની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવાની મંજૂરી માંગી છે. સિસોદીયાએ જણાવ્યું કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો બાળકોને નુકશાન પહોંચાડશે તેવું કહેવાઈ રહ્યું છે. તેથી દિલ્હી સરકાર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાય તેવું ઈચ્છતી નથી. પહેલા બાળકોને વેક્સિન આપવામાં આવે ત્યાર બાદ પરીક્ષા લેવી સુરક્ષિત રહેશે.
પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના વેક્સિનેશનની માંગ
સિસોદીયાએ કહ્યું કે અમે કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના વેક્સિનેશનની માંગ કરી છે. બાળકોની સુરક્ષા સાથે ચેડા કરીને પરીક્ષાનું આયોજન કરવાની જીદ બહુ મોંઘી પડશે.

