વાંસદા: વિતેલા પાંચ મહિનાથી અગમ્ય કારણસર વાંસદાના ઉનાઈ વિસ્તારની બીલીમોરા અને વલસાડ ડેપોની બસો એક પછી એક બંધ કરી દેવામાં આવી છે આ સંદર્ભે વલસાડ એસ.ટી. નિયામકને પત્ર રજુવાત પણ કરવામાં આવી હતી પણ પરિણામ ન આવતા આખરે આવનારા થોડા દિવસોમાં બસો ચાલુ નહીં કરવામાં આવે તો આંદોલનનો રસ્તો અખત્યાર કરવાની ચીમકી વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે આપ છે.
ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકામાં આવેલા ઉનાઈ માતાજીના મંદિરને કારણે ઉનાઈ વિસ્તારની બસો કાયમી વેળાસર આવતી હતી આ વિસ્તારમાં સુરત અને તાપી જિલ્લાની બોર્ડરના ઘણા ગામોમાંથી નોકરીએ તેમજ નાના-મોટા ધંધા-રોજગારો માટે લોકોની બસ સેવા ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા મહિનામાં બસો બંધ થવાના કારણે શાકભાજી અને નાના રોજગારો સાથે સંકળાયેલા લોકોની હાલત બગડી છે.
હાલમાં નેરોગેજ ટ્રેન પણ બંધ પડી છે. ઈકો અને રિક્ષામાં પણ ચાલકો 4થી વધારે સવારી બેસાડે તો પોલીસ દ્વારા કેસ કરવામાં આવે છે. આવા સંજોગોમાં ગરીબ રોજગારો અને નાના-ધંધા રોજગારવાળાની દયનીય હાલત જોઈ જો થોડા સમયમાં બસ પુન: ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અનંત પટેલની આગેવાનીમાં ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરાશે.