દક્ષિણ ગુજરાત: આજે સુગર મિલો નવી સીઝનના શેરડીના ભાવ જાહેર કરવાની તૈયારીમાં છે. ગત વર્ષની સરખામણીમાં શેરડીના વાવેતરમાં વધારો થવા સાથે મબલક પાક હોવા છતાં શેરડીના ભાવને અસર કરતા અનેકવિધ પાયાના પરિબળોને લઈને ગત વર્ષ કરતા નીચો ભાવ જવાની શક્યતાઓ જોવાય રહી છે.
પ્રદેશની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો કે શેરડીનો પાક લેતા ખેડૂતો જીવાદોરી સમાન હોય, ત્યારે શેરડીનો પાક સુગર મિલોમાં નાખ્યા બાદ ઉંચા ભાવની આશા રાખતા હોય છે. ત્યારે બદલાતી જતી પરિસ્થતિએ સુગર મિલોને ખેડૂતોને તેમની મરજી મુજબનો ભાવ આપવા માટે મોટો પડકાર છે.
વર્ષ ૨૦૧૯ -૨૦૨૦માં પ્રદેશ તમામ સહકારી સુગર મિલોએ શેરડીના ઉંચા ભાવ આપતા ફરીવાર ઉંચા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ શેરડીનું મોટા પાયે વાવેતર કર્યું છે. હાલની પરિસ્થતિ જોતા ગત વર્ષની સરખામણીએ શેરડીના ટને 250 થી 600 રૂપિયા જેટલો નીચો ભાવ થવાના અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે.