વલસાડ: હાલમાં જ ધરમપુરના બારસોલ અને મોટી ઢોલડુંગરીમાં દેખાયેલા દીપડાને પકડવા વન વિભાગે ગોઠવેલા પાંજરુંના ગણતરીના દિવસોમાં નજીકના ગામ કરંજવેરીમાં પણ દીપડો દેખાતા પાંજરું ગોઠવવાની રજુઆત સરપંચ બાળુભાઈ સિંધાએ વન વિભાગને કરવામાં આવી છે.
ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના માલઘર ફળીયામાં કાળધીબેન મનુભાઈ ભડાગીયાના ઘરે કોઢારૂમાં બાંધેલી 6 બકરી પૈકી 1 બકરી પર રાત્રે 11 વાગ્યે દીપડાએ ગળાના ભાગે હુમલો કરી ખેંચી જવાનો પ્રયાસ કર્યો જેના કારણે બકરીનો અવાજ સાંભળી જાગી ગયેલા પૌત્ર ગોવિંદભાઈ રામુભાઈ ગાંવિત અને સ્થાનિકો બેટરી સાથે દોડી આવી બુમાબુમ કરતા દીપડો ભાગી ગયો હતો.
ગામના સરપંચ દ્વારા દીપડા અંગે વન વિભાગ અને પશુ દવાખાનામાં કરાયેલી જાણને લઇ બકરીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ગામના હરીશભાઈ બિસ્તુભાઈ ગાંવિતે પણ વન વિભાગને લેખિત રજુઆત કરી હતી.