દક્ષિણ ગુજરાતમાં હાલમાં રોડના કામોમાં ભારે ગોબચારી કરવામાં આવી રહી છે અને લાખ્ખો રૂપિયાનો ખર્ચ છતાં કામોમાં વેઠ ઉતારવાનું જોવા મળી રહ્યું છે આવો જ એક બનાવમાં બારડોલી તાલુકાના તેન થી ખોજ સુધીનો રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં વર્ષ ૨૦૧૨માં બનાવેલ રોડ જૂનો તૂટી જતાં લોકો વર્ષોથી નવા રોડ બનાવવાની માંગ કરતા હતા દરમિયાન હાલ માર્ગનું નવીનીકરણ થઇ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર પલસોદથી ખોજની વચ્ચે માર્ગનું કામ થયાને ચાર દિવસ થયા નથી ત્યાં તો માર્ગ પર મોટી તિરાડો જોવા મળી રહી છે. તેમજ કેટલીક જગ્યાએ માર્ગ દબાઈ ગયો છે અને તૂટવા લાગ્યો છે જેના કારણે ફરી માર્ગ ઉપડ ખાબડ અને ખાડા ટેકરાવાળો થઈ ગયો છે. જ્યારે કેટલીક જગ્યાએ તો નાના વાહન ચાલકો તો લપસી જવાય એવી સ્થિતિનું નિર્માણ થવા પામી છે.
નવા બનેલા રસ્તા પર ડામરનું કામ કર્યાને માત્ર ચાર દિવસમાં જ આવી હાલત થાય તો કોન્ટ્રાક્ટરની કામગીરી કેવી હશે તેનો ખ્યાલ તમે લગાવી શકો છો. કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાથી ગ્રામજનો રોષે ભરાયા છે. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી રોડ બન્યો ન હતો. રોડ બનતાં રાહત થવાની આશા જાગી હતી. પરંતુ ચાર દિવસમાં રોડના બેહાલ થઈ ગયો. આ સંદર્ભે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં એવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.