દક્ષિણ ગુજરાત: હાલમાં ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયામાં અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવી રહ્યા છે, પરંતુ અનુસૂચિત જનજાતિ-આદિવાસી સમાજના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રની ખરાઈની પ્રક્રિયા જાતિ વિશ્લેષણ સમિતિ સમક્ષ લાંબા સમયથી પેન્ડિંગ રાખવામાં આવી છે. આ વહીવટી વિલંબને કારણે આદિવાસી સમાજના ભાવી શિક્ષકોને નિમણૂક અને સિનિયોરિટીમાં પાછળ ધકેલાઈ જવાનો તથા આર્થિક અને માનસિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ ગંભીર બાબતે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય,શિક્ષણ મંત્રીશ્રી તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને આદિવાસી સમાજના તમામ ઉમેદવારોની જાતિ ખરાઈની પ્રક્રિયા યુદ્ધના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.જાતિ વિશ્લેષણ સમિતિ દ્વારા ફાઈલો લાંબા સમયથી પેન્ડિંગ રાખવા પાછળનું સ્પષ્ટ કારણ જણાવવામાં આવે.ભરતી પ્રક્રિયામાં અન્ય કેટેગરીના ઉમેદવારોની જેમ જ આદિવાસી સમાજના ઉમેદવારોને પણ સમાન તક અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.માત્ર વેરિફિકેશનના વહીવટી વિલંબને કારણે કોઈ પણ ઉમેદવારને નિમણૂક કે સિનિયોરિટીમાં અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે એવી કડક માંગ કરી છે.

ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજના શિક્ષિત યુવાનો અને ભાવી શિક્ષકોના ભવિષ્યનો છે. સરકાર આ બાબતે અંગત રસ લઈ સંબંધિત વિભાગ અને જાતિ વિશ્લેષણ સમિતિને તાત્કાલિક આદેશ આપી સમાજના યુવાનોને ન્યાય અપાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here