નવસારી: લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારત્વ ક્ષેત્રે હાલ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા સ્થાનિક અને ફિલ્ડ પત્રકારોની આર્થિક તથા સામાજિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. ફિલ્ડમાં ફરીને સમાચાર એકત્ર કરતા પત્રકારો આજે ઓછા વળતર, મોંઘવારી અને ઓળખના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.

સ્વતંત્ર ફિલ્ડ પત્રકારોની સૌથી મોટી સમસ્યા આર્થિક અસુરક્ષા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે માત્ર 300 ની એક સ્ટોરી (સમાચાર) માટે પત્રકારોએ પોતાના ખિસ્સામાંથી 300 નું પેટ્રોલ બાળીને કવરેજ કરવા જવું પડે છે. મોટાભાગના સ્થાનિક પત્રકારોને સંસ્થાઓ કે માલિકો તરફથી નિયમિત પગાર મળતો નથી, જેના કારણે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આર્થિક ભીંસની સાથે-સાથે પત્રકારોને વ્યવસાયિક ઓળખની સમસ્યા પણ સતાવી રહી છે:

ફિલ્ડમાં કામ કરવા છતાં મોટાભાગના ગ્રામીણ પત્રકારોને સરકારી ચોપડે ‘માન્યતાપ્રાપ્ત પત્રકાર’ (Accreditation) તરીકેનો દરજ્જો કે સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર માત્ર ‘રીલ’ કે સામાન્ય વીડિયો બનાવનાર લોકોને પણ પત્રકાર તરીકે ગણી લેવામાં આવે છે. આ પ્રવાહને કારણે મહેનત કરીને જમીની હકીકત ઉજાગર કરતા સાચા અને ગંભીર પત્રકારોની મહેનત અને વિશ્વસનીયતા સામે પડકાર ઊભો થયો છે.

સાચા અને સ્વતંત્ર પત્રકારત્વના અસ્તિત્વ સામે સવાલ: આ વિકટ સંજોગો વચ્ચે પત્રકાર આલમમાં એક જ ગંભીર સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો સમાજની સાચી અને જમીની હકીકત બતાવનાર પત્રકાર આખરે ટકશે કેવી રીતે ? સાચા અને સ્વતંત્ર પત્રકારોને યોગ્ય વળતર, સુરક્ષા અને સન્માન મળે તે સમયની તાતી જરૂરિયાત બની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here