તાપી: સુપ્રીમ કોર્ટ દ્વારા ‘બિબોલ ટોપ્પો અને અન્ય વિરુદ્ધ ઓડિશા રાજ્ય’ (Bibol Toppo & Others vs. State of Odisha, 2026 INSC 1244) કેસમાં આપવામાં આવેલા ચુકાદાએ આદિવાસી વિસ્તારોમાં જમીન સંપાદનના કાયદાકીય પાસાઓ અંગે નવી ચર્ચા જગાવી છે.
જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, 2013ની કલમ 41(3) હેઠળ પાંચમી અનુસૂચિના વિસ્તારોમાં જમીન સંપાદન કરતા પહેલાં સંબંધિત ગ્રામસભાની પૂર્વ સંમતિ ફરજિયાત હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કલમ 41(3) હેઠળની જોગવાઈ વૈકલ્પિક કે સલાહકાર નથી, પરંતુ ફરજિયાત કાયદાકીય શરત છે. પાંચમી અનુસૂચિ હેઠળ આવતા વિસ્તારોમાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરતા પૂર્વે સ્થાનિક ગ્રામસભાની સંમતિ લેવી જરૂરી છે.
આ ચુકાદાના સંદર્ભમાં તાપી જિલ્લામાં ચાલી રહેલા કે પ્રસ્તાવિત વિવિધ પ્રોજેક્ટો અંગે પણ કાયદેસરની પ્રક્રિયાની સમીક્ષા અને તપાસ કરવાની માંગ ઉઠી છે. ખાસ કરીને NH-56, ખાણકામ, GIDC તેમજ અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં જમીન સંપાદન દરમિયાન કાયદાકીય જોગવાઈઓ અને ગ્રામસભાની સંમતિના નિયમોનું પાલન થયું છે કે કેમ તેની તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે સ્થાનિક સ્તરે જળ, જંગલ અને જમીનના અધિકારોના રક્ષણ અંગે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજ અને સંબંધિત પક્ષોનું કહેવું છે કે વિકાસના નામે સ્થાનિક સમુદાયોના બંધારણીય અને કાયદાકીય અધિકારોની અવગણના ન થવી જોઈએ, અને જમીન સંપાદનની દરેક પ્રક્રિયા પારદર્શક તથા કાયદા મુજબ થવી જોઈએ.











