નવીન: સપ્ટેમ્બર 2016માં, 18 વર્ષની શ્રેયા સિદ્દનાગૌડર પૂનાથી કર્ણાટકમાં Manipal Institute of Technology જવા બસમાં જતી હતી. રસ્તામાં બસ અકસ્માત થયો. એના બંને હાથ કચડાઈ ગયા. સમયસર સારવાર ન મળતાં બંને હાથ કોણીથી નીચે કાપવા પડ્યા.

શ્રેયા કેમિકલ એન્જિનિયરિંગની વિદ્યાર્થિની હતી. કૃત્રિમ હાથ અજમાવ્યા, પણ એનાથી ફાવ્યું નહીં. શ્રેયાનો પરિવાર કોચીની Amrita Hospital પહોંચ્યો. એ સમયે એશિયામાં હાથ ટ્રાન્સપ્લાન્ટ કરનારું એ એકમાત્ર સફળ કેન્દ્ર હતું. હાથનું દાન બહુ દુર્લભ છે, કારણ કે મૃતકના પરિવારને શરીર વિકૃત થઈ જશે એવો ડર હોય છે. ઓગસ્ટ 2017માં કેરળના 20 વર્ષના કોમર્સના વિદ્યાર્થી સચિનને બ્રેઈન ડેડ જાહેર કરાયો. એના પરિવારે અંગદાનની સંમતિ આપી. શ્રેયાનું બ્લડ ગ્રુપ સચિન સાથે મળતું આવ્યું.

13 કલાકથી વધુ ચાલેલા ઓપરેશનમાં 20 સર્જન અને 16 એનેસ્થેસિયા નિષ્ણાતોની ટીમે પહેલા હાડકાં જોડ્યાં, પછી નસો, રક્તવાહિનીઓ અને ચામડી સાંધી. ઓપરેશન પછી શ્રેયાને દોઢ વર્ષ સુધી કોચીમાં જ સઘન ફિઝિયોથેરાપી કરવી પડી. નસો રોજ 1-2 મીમી જેટલી જ વધતી હતી. શરૂઆતમાં હાથ ભારે અને મોટા લાગતા હતા.

પણ પછી જે થયું એનાથી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા! સચિનના હાથ મોટા હતા. ધીમે ધીમે એનો રંગ શ્રેયાની ચામડીના રંગ જેવો થઈ ગયો. આંગળીઓ પાતળી થઈ, કાંડું નાનું થયું. હાથ સ્ત્રીના હાથ જેવા દેખાવા લાગ્યા. પુરુષના હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ન મળતાં હાથ પરના વાળ ઓછા થઈ ગયા.ડોક્ટરો માને છે કે આમાં સ્ત્રી હોર્મોન, મેલેનિન નામનું રંગદ્રવ્ય બનાવતા કોષો બદલાવા અને લસિકા તંત્ર જોડાવા જેવાં કારણો હોઈ શકે.

શ્રેયાએ પોતાના નવા હાથે લખવાનું શીખી લીધું. એના અક્ષર લગભગ પહેલા જેવા જ થઈ ગયા છે. એણે કોલેજની પરીક્ષા પણ પોતાના હાથે લખી. એણે ડોક્ટરને એના જન્મદિવસે હાથે લખેલી ચિઠ્ઠી મોકલી હતી, જેને ડોક્ટરે સૌથી સારી ભેટ ગણાવી હતી. શ્રેયા પોતે કહે છે: “મને ખબર નથી આ બદલાવ કેવી રીતે થયો. પણ હવે આ હાથ મને મારા પોતાના જ લાગે છે.”

શ્રેયાનો આ કિસ્સો દુનિયાભરના ડોક્ટરો માટે પણ અજાયબી જેવો છે. એ એશિયાનો પહેલો ડબલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે બંને હાથના પ્રત્યારોપણનો કેસ છે, અને એ પણ પુરુષ દાતાના હાથ સ્ત્રીને લગાવવાનો પહેલો કેસ.

આ ઘટના આધુનિક તબીબી વિજ્ઞાનની અસાધારણ સિદ્ધિ છે. આ આધુનિક મેડિકલ સાયન્સ કરી શકે. આ કામ અદ્રશ્ય શક્તિઓ ધરાવનારા ગુરુઓ, બાબાઓ, પ્રગટ બ્રહ્મ સ્વરુપો, ભૂવાઓ, કે જીવતા ભગવાનો આ કરી શકતા નથી! કદાચ તેમના હાથ કપાઈ જાય તોપણ તેઓ નવા હાથ જોડી શકે નહીં!

BY: રમેશ સવાણી [સૌજન્ય: Bhupendrasinh R Raol, 21 નવેમ્બર 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here