ધરમપુર: આજના ડિજિટલ યુગમાં યુવાધન મોબાઈલમાં રચ્યુંપચ્યું રહેતું હોવાથી વાંચનનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એક એવી લાઈબ્રેરી કે, જ્યાં વાંચન માટે યુવાધનની સવારથી જ લાઈન લાગે છે. અહીંનું દ્રશ્ય જોઈ એવુ લાગે કે, સોશિયલ મીડિયાની દુનિયા ભૂલીને યુવાધન વાંચનમાં મસ્ત બન્યુ છે. સરકારી નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાઈબ્રેરી મહત્વની ભૂમિકા ભજવે છે.
ધરમપુર નગરપાલિકા સંચાલિત 140 વર્ષ જુની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીએ યુવાધનને સફળતાનાં શિખરો સર કરવા પાંખો આપી છે. આ લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને અત્યાર સુધીમાં 101 યુવક-યુવતીઓએ સરકારી નોકરી મેળવી પોતાનાં સપનાં સાકાર કર્યાં છે અને અન્ય યુવાનોને પ્રેરણા આપી છે, સાથે જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે.
ધરમપુર નગરી એટલે રજવાડી નગરી, અહીંની મોટાભાગની પ્રજા આદિવાસી હતી. જેથી આ વિસ્તારમાં નિરક્ષરતા દૂર કરવાના હેતુથી રાજવી માહારાણા શ્રી નારણદેવજીએ ૧૪૦ વર્ષ પહેલા એટલે કે, તા. 01/10/1886ના રોજ આ લાઈબ્રેરીની સ્થાપના કરી હતી. દેશ આઝાદ થયા બાદ ધરમપુર રાજ્યનું વિલીનીકરણ થયું અને વર્ષ ૧૯૫૨થી આજદિન સુધી આ લાઈબ્રેરીનો વહીવટ ધરમપુર નગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. 140 વર્ષ જૂની આ લાઈબ્રેરી આજે વલસાડ જિલ્લાની ધરોહર સમાન બની છે. તેની ઝળહળતી સફળતાથી સમગ્ર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે.
આ લાઈબ્રેરીના ગ્રંથપાલ નિમેષભાઈ ભટ્ટ જણાવે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે ધરમપુરની આ લાઈબ્રેરી આશીર્વાદ સમાન છે. અહીં મળતી સુવિધાઓને કારણે વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદા તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો પણ વાંચન માટે આવે છે. દરરોજ ૧૦૦થી વધુ ઉમેદવારોની અવરજવરને કારણે લાઈબ્રેરી સતત ધમધમતી રહે છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પરીક્ષાલક્ષી પુસ્તકો- ન્યૂઝ પેપરો પણ મંગાવી આપવામાં આવે છે. કુલ ૧૯ હજાર પુસ્તકોના સમૃદ્ધ સંગ્રહ સાથે આ લાઈબ્રેરી વાચકો માટે જ્ઞાનનો ભંડાર બની છે.
by: માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ નવેમ્બર











