ગાંધીનગર: રાજ્યમાં જાતિગત ઓળખના જાહેર પ્રદર્શનને રોકવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ હવેથી રાજ્યમાં કોઈ પણ ખાનગી વાહન પર જાતિસૂચક શબ્દો, લખાણ કે ચિહ્નો પ્રદર્શિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો હેઠળ ટુ-વ્હીલર (બાઈક, સ્કૂટર), થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર (કાર), ખાનગી બસ અને ટ્રક સહિતના તમામ પ્રકારના ખાનગી વાહનોને આવરી લેવામાં આવ્યા છે. હવેથી આ વાહનોની નંબર પ્લેટ, કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારના જાતિ દર્શાવતા શબ્દો, સંકેતો, આકૃતિઓ કે સ્ટીકરો લગાવી શકાશે નહીં.

અગાઉ રાજ્ય સરકાર દ્વારા આ નિયમો અંગે ડ્રાફ્ટ (મુસદ્દો) બહાર પાડીને જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં ડ્રાફ્ટ નિયમો સામે કોઈ વાંધા ન આવતા બંદરો અને વાહન વ્યવહાર વિભાગે આ અંતિમ નિયમોને સત્તાવાર રીતે અમલમાં મૂકી દીધા છે.

નવા જાહેરનામા મુજબ, આ નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. માત્ર એવા જ કિસ્સાઓમાં છૂટછાટ મળશે, જ્યાં રાજ્ય સરકારના સામાન્ય કે વિશેષ હુકમ દ્વારા તેની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હોય. આ સિવાયના તમામ કિસ્સાઓમાં નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here