ધરમપુર: આજરોજ ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી ધરમપુર ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડત ચલાવતા તમામ આગેવાનો દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને હારારોપણ કરી કોટી કોટી નમન કરવામાં આવ્યા હતા.
જળ, જંગલ અને જમીન માટેનું અદમ્ય સાહસ જળ, જંગલ અને જમીનને બચાવવા માટે સંઘર્ષ કરનાર મહાનાયક બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે બ્રિટિશ શાસનના પાયા હલાવી નાખ્યા હતા. દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર અને આદિવાસી સમાજના ઉત્થાન માટે આજીવન સંઘર્ષ કરનાર ‘ધરતી આબા’ અને ‘જનનાયક’ તરીકે જાણીતા આદિવાસી નેતા બિરસા મુંડાજીને આ પ્રસંગે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે ‘આદિવાસી ગૌરવ દિવસ‘ની ભાવના સાથે ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનોએ તેમના બિરસા મુંડાના જીવનચરિત્ર અને તેમના આદિવાસી સમાજ ઉત્થાન માટેના સંઘર્ષમય વિચારો અને કાર્યોને યાદ કરી શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.











