ધરમપુર: આદિવાસી સમાજના મહાન નાયક અને ‘ધરતી આબા’ તરીકે પૂજાતા બિરસા મુંડાની 151મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. “બિરસા મુંડા અમર રહો”ના નાદ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે ધરમપુરના મહેન્દ્ર ચૌધરી તથા તેમની ઉપસ્થિત ટીમના સૌએ બિરસા મુંડાની પ્રતિમા તેમજ આસપાસના પરિસરની સાફ-સફાઈ કરી હતી અને કાયમી સ્વચ્છતા જાળવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ધરતી આબાને કોટિ કોટિ વંદન કરી તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

આદિવાસી જનનાયક બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, અધિકાર, અસ્મિતા અને સ્વાભિમાન માટે આપેલું યોગદાન હંમેશાં આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. અંતમાં, તેમના વિચારો અને આદર્શોને આત્મસાત કરીને એક સ્વચ્છ, સુંદર અને જાગૃત સમાજના નિર્માણમાં સહભાગી બનવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here