વાંસદા: ગઈકાલે સાંજે વાંસદા તાલુકાના સરા ગામમાં દીપડા દ્વારા ૭ વર્ષના માસૂમ બાળક સની કુકણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
Decision News ને મળેલી જાણકરી મુજબ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આજે સાંસદ ધવલ પટેલે વાંસદા કોટેજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્ત બાળકના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ફરજ પરના તબીબો સાથે વિસ્તૃત વાતચીત કરી હતી અને બાળકને શ્રેષ્ઠ તેમજ ઝડપી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન સાંસદે બાળકનાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને આ વિકટ સમયમાં પરિવારને તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. સમગ્ર પંથકમાં ચકચાર જગાવનાર આ ઘટના બાદ માસૂમ બાળક વહેલી તકે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવી સૌકોઈ પ્રાર્થના કરી રહ્યા છે.











