નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી કે જાહેર સેવકની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય માટે ન્યાયિક કસ્ટડીમાં (જેલમાં) રહે, તો તે આપોઆપ (Deemed Suspension) સસ્પેન્ડ માનવામાં આવશે. આ માટે સંબંધિત વિભાગ દ્વારા કોઈ અલગથી સસ્પેન્શન ઓર્ડર કે પરિપત્ર જાહેર કરવાની પણ જરૂર રહેશે નહીં.
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર / મેનેજર વિજિલન્સ લાંચ કેસની અપીલ પર સુનાવણી કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. આરોપી કર્મચારી 15 દિવસ સુધી જેલમાં રહ્યો હોવા છતાં તેને સસ્પેન્શન બાદ ફરીથી એ જ હોસ્પિટલમાં અને એ જ હોદ્દા પર પુનઃસ્થાપિત કરી દેવાતાં સુપ્રીમ કોર્ટે ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી.
મળતિયા કર્મચારીઓને બચાવવાની પ્રથા સામે કોર્ટ લાલઘૂમ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર કે ગંભીર ગુનામાં પકડાયેલા અને જેલવાસ ભોગવી ચૂકેલા કર્મચારીઓને બચાવવા કે તેમને મૂળ હોદ્દા પર બેસાડી દેવાની પ્રથા અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. કોર્ટે રાજ્ય સરકારને આ વહીવટી ક્ષતિ અંગે તાકીદે તપાસ કરવા અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવેથી 48 કલાકથી વધુ જેલમાં રહેતા કોઈપણ સરકારી કર્મચારી પર આપમેળે જ ક્ષણભરમાં સસ્પેન્શનનો નિયમ લાગુ થઈ જશે.











