ઉમરપાડા: દિવાળી એટલે આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી ચાલી આવતી અનેક અનોખી પરંપરાઓ અને રિવાજોનો પર્વ. શહેરી વિસ્તારોમાં દિવાળી એટલે ઝગમગતી લાઈટો, સુંદર ડેકોરેશન અને ઘરઆંગણે દીવડાં પ્રગટાવવાનો તહેવાર. પરંતુ આદિવાસી વિસ્તારોમાં દિવાળીનું આગવું સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્ત્વ છે.

આપણે અગાઉની પોસ્ટમાં આદિવાસી વિસ્તારમાં ઉજવાતા ‘માંડા‘ વિશે જાણ્યું હતું. હવે જાણીએ દિવાળીના દિવસે કરવામાં આવતી એક અનોખી પરંપરા ‘દીવી કાઢવાની પરંપરા’ વિશે. દિવાળીના દિવસે ઘરમાં ભોજન તૈયાર કરી પૂર્વજોને ભોગ ધરાવવામાં આવે છે, જેને સ્થાનિક ભાષામાં ‘છાક પાડવો‘ કહેવામાં આવે છે. ત્યારબાદ ઘરમાંથી વાંસના ખામટીની મદદથી એક નાની દીવી તૈયાર કરવામાં આવે છે. તેમાં થોડું દીવેલ નાખી, ઘરના (ચુલા) ફરતે સાત વખત ફેરવવામાં આવે છે. ત્યારબાદ ‘જાજો દિવાળી, આવજો હોળી, હો બો બો બો…’ એવા જોરદાર અવાજ સાથે આ દીવીને ઘરની બહાર લઈ જવામાં આવે છે.

લોકમાન્યતા મુજબ આખા વર્ષ દરમિયાન ઘરમાં રહેલાં દુઃખ, દર્દ, અશાંતિ, બીમારીઓ અને કંકાસને આ દીવી સાથે ઘરની બહાર કાઢીને ગામની બહાર ફેંકી દેવામાં આવે છે, જેથી આવનારું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. તસવીરમાં તમે જોઈ શકો છો કે લગભગ દરેક ઘરેથી પરિવારનો એક સભ્ય આ દીવી લઈને આવે છે.

હેમંત વસાવા જણાવે છે કે આવી અનેક અનોખી પરંપરાઓ આદિવાસી સમાજની આગવી ઓળખ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. આ છે આપણા આદિવાસી સમાજની દિવાળી, જ્યાં માત્ર દીવડાં જ નહીં, પરંતુ વર્ષભરનાં દુઃખ અને અશાંતિને પણ વિદાય આપવાની એક અનોખી પરંપરા છે.આ માહિતી મારા વિસ્તારની પરંપરા અને જાણકારી મુજબ મિત્રો સાથે શેર કરી રહ્યો છું. અન્ય આદિવાસી વિસ્તારોમાં આ પરંપરામાં ફેરફાર હોઈ શકે છે.

BY: હેમંત વસાવા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here