ડાંગ: ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે થતી ગ્રાન્ટ ફાળવણી, વિકાસ કાર્યો, ટેન્ડર પ્રક્રિયા અને ખરીદીઓમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર તેમજ અનિયમિતતાઓ સામે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલકુમાર રામુભાઈ ઠાકરેએ લાલ આંખ કરી છે. આ મામલે તેમણે જિલ્લા વિકાસ અધિકારીને એક ગંભીર પત્ર પાઠવીને ત્વરિત કડક તપાસની માંગ કરી છે.
સ્નેહલ ઠાકરેએ પત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના વિકાસ અર્થે વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ ત્રણેય સ્તરે ચાલતા કાર્યો, સાધન-સામગ્રીની ખરીદી, બોર, લેવલિંગ, ગટર, રોડ અને મકાન બાંધકામ જેવા કામોમાં એન્જિનિયરિંગ ધોરણોની અવગણના કરીને વ્યાપક અનિયમિતતાઓ આચરવામાં આવી રહી છે. છેલ્લા ૨-૩ મહિનાથી અખબારોમાં અહેવાલો અને ચૂંટાયેલા તાલુકા સદસ્યો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
પત્રમાં મુખ્ય માંગણીઓ અને ચેતવણી રજૂ કરવામાં આવી છે: પારદર્શકતા અને ગુણવત્તા: પંચાયતના દરેક સ્તરે થતા તમામ વિકાસ કામોની વિગતો જાહેર કરી સંપૂર્ણ પારદર્શકતા લાવવી તેમજ ‘ટકાવારી’ કે કમિશન પ્રથા બંધ કરી ઉત્તમ ગુણવત્તા જાળવવી. કડક તપાસની માંગ: જનતાના નાણાંના રક્ષણ માટે DDO અંગત રસ દાખવી ત્રણેય સ્તરે ત્વરિત અને તટસ્થ તપાસના આદેશ આપે. કાયદાકીય કાર્યવાહીની ચેતવણી: ગેરરીતિ જણાશે તો જવાબદાર પદાધિકારીઓ, અધિકારીઓ કે કર્મચારીઓ સામે વ્યક્તિગત જવાબદારી નક્કી કરી ઉચ્ચસ્તરીય તપાસ સાથે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવશે.
આ પત્રની નકલ વહીવટી સચિવ, કમિશનર (ગ્રામ વિકાસ), કલેક્ટર, પ્રાંત અધિકારી અને TDO સહિતના સંબંધિત અધિકારીઓને રવાના કરવામાં આવી છે. સ્નેહલ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના નાણાંનું રક્ષણ કરવા અને ગ્રામીણ વિકાસમાં પારદર્શકતા લાવવા માટે કોંગ્રેસ આગામી દિવસોમાં પણ સતત સંઘર્ષ ચાલુ રાખશે.











