ખેરગામ: ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં. 6 ના વેચાણ અને છેતરપિંડીના મામલામાં ખેરગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી,સંભવિત ભ્રષ્ટાચાર આચરી અને સરકારી રેકોર્ડની ધરાર અવગણના કરીને આરોપીઓને છાવરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સામાજિક અગ્રણી વિજયભાઈ બાબુભાઈ ઉચ્ચકટાર દ્વારા આ અંગે મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મુખ્ય વિવાદ અને પોલીસના વિરોધાભાસી નિવેદનો:
1. દુકાન માલિકી અંગે સરકારી રેકોર્ડ અને પોલીસનો જુઠ્ઠો અહેવાલ: જમીન દફતર નિરીક્ષક (સિટી સર્વે) ના સત્તાવાર સરકારી રેકોર્ડ મુજબ, આછવણી ગામની આ દુકાન નં. 6 લાલજીભાઈ બુધાભાઈ ગાવડા દ્વારા તારીખ 17/10/2026૧૭ ના રોજ રજીસ્ટર દસ્તાવેજ નં. 2 થી બાબુભાઇ રામજીભાઇ વળવીને વેચી દેવામાં આવી છે. આમ છતાં, ખેરગામ પી.આઈ. એ તારીખ 22/03/2026/ની પોતાની સત્તાવાર ‘સમજ યાદી’ માં એવું ખોટું લખાણ લખ્યું હતું કે “દુકાન કોઈને વેચેલ નથી અને તે લાલજીભાઈના નામે જ ચાલે છે”.
2. પોલીસ દ્વારા પક્ષપાત અને સત્ય છુપાવવાનો પ્રયાસ: જ્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ, ત્યારે પી.આઈ. એ પોતાનો બચાવ કરવા મોકલેલા નવા અહેવાલમાં સ્વીકાર્યું કે દુકાન બાબુભાઈ વળવીને વેચાઈ ગઈ છે. આમ, આર્થિક લાભ કે દબાણ હેઠળ આવીને પી.આઈ. એ એક ગરીબ વિધવા મહિલા અને પીડિત પરિવારને ન્યાયથી વંચિત રાખવા માટે જ સરકારી રેકોર્ડની અવગણના કરી હોવાનું સ્પષ્ટ થાય છે.
3. સામાજિક કાર્યકરોને બદનામ કરવાનું ષડયંત્ર: પી.આઈ. પી.ડી. ચૌધરીએ પોતાના સંભવિત ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે અગાઉના તપાસ અહેવાલમાં કોઈપણ લેખિત કે મૌખિક પુરાવા વિના સામાજિક અગ્રણી વિજયભાઈ ઉચ્ચકટારને “મળતિયા” અને ખોટી અરજીઓ કરાવનાર તરીકે દર્શાવી બદનામ કરવાનો ગેરકાયદેસર પ્રયાસ કર્યો છે.

અન્ય કેસોમાં પણ પક્ષપાત અને ભ્રષ્ટાચારના આક્ષેપો:
આ ઉપરાંત, ખેરગામ પોલીસ સામે અન્ય બે ગંભીર કિસ્સાઓમાં પણ એકતરફી તપાસ કરવાના આક્ષેપો સાથેની પૂરવણી અરજી મામલતદાર કચેરીમાં દાખલ કરવામાં આવી છે: 1. ગૌરી આશ્રમશાળામાં ચોરીનો મામલો: આશ્રમશાળાના કમ્પાઉન્ડમાંથી સરકારી/ટ્રસ્ટની મિલકત એવી આંબાની કેરીઓ અને પાણીની ટાંકી ચોરી કરવા અંગે આરોપી ગોકુળ પટેલ વિરુદ્ધ ગંભીર ફરિયાદ હોવા છતાં, પોલીસે ટ્રસ્ટના સત્તાવાર રેકોર્ડ કે ઓડિટની તપાસ કરવાને બદલે આરોપીના એકતરફી નિવેદનને સાચું માની તેને ક્લીનચિટ આપી દીધી છે. 2.પીડિત વૈભવ વાઘીયાને જાનથી મારી નાખવાની ધમકી: પાણીખડક સ્મશાન ભૂમિ પાસે આરોપી ગોકુળ પટેલે પીડિત વૈભવ વાઘીયાને એકલો જોઈને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા છતાં પોલીસે કોઈ ગુનો નોંધવાને બદલે “કોઈ ધાકધમકી થઈ નથી” તેવો ખોટો અહેવાલ વડી કચેરીને મોકલી આપ્યો છે.

ન્યાયની માંગણી:
અરજદાર અને સામાજિક અગ્રણીઓએ માંગ કરી છે કે તાલુકા મેજિસ્ટ્રેટ કક્ષાએથી સંબંધિત તમામ પોલીસ અધિકારીઓની કેસ ડાયરી અને કાર્યવાહીનું સત્તાવાર ઓડિટ કરવામાં આવે, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદેસરના પગલાં લેવાય નહિતર આ મામલે અમે જવાબદાર અધિકારી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહી કરી એને છાવરનાર ઉપરીઓ વિરુદ્ધ અદાલતીય કાર્યવાહી કરતા પણ અચકાઈશું નહીં જેની સંપૂર્ણ જવાબદારી એ પોતાની ફરજમાં બેદરકાર અધિકારીઓની જ રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here