વાંસદા: ‘જી રામ જી’ (મનરેગા) યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને સમયસર વેતનની ચૂકવણી ન થતાં વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ન્યાયયાત્રા યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ન્યાયયાત્રા બાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદનપત્ર પાઠવી શ્રમિકોના બાકી વેતન સહિત યોજનાના કર્મચારીઓના પગારની તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે સરકારની કામગીરી સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “જી રામ જી યોજનાના શ્રમિકોનું વેતન જાણે રામ ભરોસે ચાલી રહ્યું છે. દિવાળી જેવા મોટા તહેવાર પહેલાં પણ શ્રમિકોને પોતાની મહેનતનું વેતન ન મળવું એ સરકારની સંવેદનહીનતા દર્શાવે છે. શ્રમિકોના ઘરમાં દિવાળીના દીવા પ્રગટે તે પહેલાં સરકાર બાકી વેતન ચૂકવે, અન્યથા આગામી દિવસોમાં તાલુકા પંચાયત કચેરી બહાર ધરણાં-પ્રદર્શન કરવાની ફરજ પડશે.” શ્રમિકોએ કરેલી મહેનતનું વળતર મેળવવા માટે પણ રજૂઆતો કરવી પડે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ગરીબ શ્રમિક પરિવારોના હિત સાથે ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં અને જો સરકાર તાત્કાલિક વેતન ચૂકવવામાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ ન્યાયયાત્રામાં વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ચૌધરી, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નિકુંજ ગાવિત, મનીષ પટેલ, અંજના, વૈશાલી, નિતેશ, મહેન્દ્ર, અનિલ પટેલ, ધવલ ઢીમ્મર, રાજીત પાનવાલા, ગૌરાંગ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા.











