ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી, સરકારી નાણાંનો મોટાપાયે ભ્રષ્ટાચાર અને કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ પટેલ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક લેખિત પત્ર પાઠવી ફડવેલ ગામમાં સરકારી પુસ્તકાલયનું મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં છેલ્લા ૪ વર્ષથી તેનું ઉદ્ઘાટન કરાયું નથી.

તંત્ર દ્વારા આ તૈયાર લાયબ્રેરીનો ઉપયોગ ગ્રામ પંચાયતના સ્ટોરરૂમ તરીકે કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે ગામના વહીવટ માટેનું ગ્રામ પંચાયતનું મકાન છેલ્લા ૨ વર્ષથી અધૂરું પડ્યું છે. પંચાયતની કચેરી એક ખાનગી દુકાનમાં ભાડું ચૂકવીને ચલાવવામાં આવી રહી છે, જેથી પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને ગામનું એસ.ટી. બસ સ્ટેન્ડ અતિશય જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે. આ ઉપરાંત, નવા ફળીયા નાયકીવાડનો આશરે 1 થી 1.5 કિલોમીટરનો રસ્તો ભારે બિસ્માર અને ખાડાવાળો બની ગયો છે તેમજ ગામમાં દીપડાના ભારે આતંકને કારણે અત્યાર સુધીમાં 6 સ્થાનિક લોકો અને અનેક પશુઓ પર હુમલા થઈ ચૂક્યા છે. રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાથી રાત્રે નોકરી પરથી પરત ફરતા શ્રમિકો અને બાળકોના જીવનું જોખમ ઊભું થયું છે તેમજ નવા ફળીયા નાયકીવાડ ખાતે બનેલી નવી સ્મશાનભૂમિ માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તૂટી પડી છે, જે સરકારી ગ્રાન્ટના નાણાંનો મોટા પાયે ભ્રષ્ટાચાર અને હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની સાબિતી આપે છે.

સૌથી ગંભીર બાબત એ છે કે, ગામના એક જાગૃત યુવાને આ વહીવટી અન્યાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકતા, એક સ્થાનિક નેતા દ્વારા તેના “હાથ-પગ તોડી નાખવાની” ધમકી આપવામાં આવી હતી, જેના કારણે સમગ્ર પંથકના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હોવાની રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું અને સાથે માંગણી કરી છે કે ફડવેલ ગામની લાયબ્રેરીમાંથી સામાન હટાવી આગામી દિવસોમાં તેનું ઉદ્ઘાટન કરી યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવે અધૂરા પંચાયત ભવન અને સ્મશાનભૂમિના નબળા બાંધકામ અંગે વિજીલન્સ તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય અને નવા ફળીયા નાયકીવાડનો રસ્તો યુદ્ધના ધોરણે મંજૂર કરી ત્યાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે અને દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરા ગોઠવવામાં આવે.આ પ્રસંગે ગામના માજી યુવાઆગેવાન અંકિત પટેલ,ગણેશ,વિકી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here