ચીખલી: ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે 46.53 કરોડ રૂપિયાના ખર્ચે 100 બેડ ક્ષમતાવાળું નવું આધુનિક બિલ્ડિંગ તૈયાર કરી 19 સપ્ટેમ્બરે લોકાર્પણ કરાયું હતું. એક મહિનો કરતાં વધુ સમય બાદ પણ હોસ્પિટલમાં અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિક સ્તરે આરોગ્ય વિભાગ પાસે ખૂટતી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવાની માંગ ઊઠી છે. હોસ્પિટલનું બિલ્ડિંગ 100 બેડ માટે બનાવાયું છે, પરંતુ હાલ મહેકમ 50 બેડનું જ ચાલુ હોવાથી સેવાઓ પર દબાણ છે. વહીવટીતંત્રે 100 બેડના મહેકમ માટે દરખાસ્ત કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ હોસ્પિટલમાં પાંચ મેડિકલ ઓફિસર છે, જેમાં એક કરાર આધારિત છે. જનરલ સર્જનની જગ્યા કાયમી રીતે ભરાઈ નથી. ફિઝિશિયન, ઓર્થોપેડિક, બાળરોગ, સ્ત્રીરોગ, એનેસ્થેશિયા અને આંખના નિષ્ણાત કાયમી હોવાનું જણાવવામાં આવ્યું છે. માનસિક રોગ અને રેડિયોલોજિસ્ટ માટે બોન્ડેડ ડોક્ટરો પર આધાર રહે છે. તેઓ ટૂંકા ગાળામાં બદલાતા રહેતા હોવાથી સેવા સતત નથી રહી શકતી. હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ નથી. સોનોગ્રાફી જરૂરી હોય તેવા દર્દીઓને ખાનગી કેન્દ્રો અથવા અન્ય શહેરમાં જવું પડે છે, જેના કારણે ખર્ચ વધે છે. રેડિયોલોજિસ્ટનું કાયમી મહેકમ મંજૂર કરી કાયમી નિમણૂક કરવાની જરૂર દર્શાવવામાં આવી છે. કરાર આધારિત તબીબોની જગ્યાએ કાયમી ડોક્ટરોની નિમણૂક કરવાની પણ માંગ છે.
હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી અધિક્ષક ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે. મોટા મહેકમના સંચાલન માટે કાયમી વડાની નિમણૂક જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. લેબોરેટરીમાં પણ કાયમી પેથોલોજિસ્ટ નથી અને પ્રતિનિયુક્તિથી કામ ચાલી રહ્યું છે. લેબોરેટરીનું આધુનિકીકરણ કરવાની જરૂરિયાત પણ રજૂ થઈ છે. આ બિલ્ડિંગનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલના પ્રયાસો બાદ થયું હોવાનું ઉલ્લેખાય છે.
હોસ્પિટલમાં બંધ પ્લાન્ટ ચાલુ કરવા જરૂરી: હોસ્પિટલમાં હાલ ઓક્સિજનની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ કોરોના સમયે ઘણેક જેટલા ઓક્સિજન માટે પ્લાન્ટ દાતાઓના સહયોગથી નાખવામાં આવ્યા હતા, તે પૈકી હાલ એક જ ચાલુ હોવાનું અને બાકીના બે ચાલુ કરવાનો ખર્ચ પણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હાલ ઓક્સિજનની પૂરતી સુવિધા છે, પરંતુ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો તેવામાં આ બંધ પ્લાન્ટો પણ ચાલુ હાલતમાં હોવા જરૂરી છે.
ICU માટે અલગથી સ્ટાફ ઉપલબ્ધ નથી: હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં ICUની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ ICU માટે અલગથી તબીબ, નર્સ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ નથી. ICU સાથે તેને સંલગ્ન લેબોરેટરી પણ ઉપલબ્ધ હોય તો ક્રિટિકલ સ્થિતિમાં દર્દીઓને જરૂરી સારવાર આ હોસ્પિટલમાં મળી શકે નહીં તો અન્ય હોસ્પિટલમાં રીફર કરવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી.











