સુરત: લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા સાથી સંસ્થા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત), રોટરી ક્લબ સુરત-તાપી, પરબ ચેરિટેબલ ટ્રસ્ટ, રોટરી આઈ હોસ્પિટલ (નવસારી), રોટરી ક્લબ ઉધના તેમજ અન્ય સહયોગી રોટરી ક્લબ્સના સંયુક્ત ઉપક્રમે ‘કાર્યકર્તા વાર્ષિક સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં તમામ સંસ્થાઓના ઉત્સાહી સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
સંમેલન દરમિયાન લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ દ્વારા વર્ષ 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને જનકલ્યાણના કાર્યોનું એક આકર્ષક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં સંસ્થાઓના સામાજિક યોગદાન, માનવસેવા અને સમુદાયના ઉત્થાન માટે કરવામાં આવેલા અથાગ પ્રયાસોની વિગતોને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સહુએ બિરદાવી હતી.
સંમેલનને વધુ યાદગાર અને રંગારંગ બનાવવા માટે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરબ ચેરિટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ અને ખોબા આશ્રમના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ શાનદાર પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓના મન મોહી લીધા હતા. કાર્યક્રમના અંતે, દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ઉપસ્થિત તમામ સેવાભાવી કાર્યકર્તાઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આગામી સમયમાં પણ આવી જ સેવાકીય ભાવના જાળવી રાખવાનો સંકલ્પ લેવાયો હતો.











