ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પેલાડ ફળિયામાં રહેતા અને અકસ્માતમાં મણકાના ગંભીર ફ્રેક્ચર થવાને કારણે છેલ્લા 5 વર્ષથી પથારીવશ (લકવાગ્રસ્ત) જીવન વિતાવી રહેલા વિનોદભાઈ નવસુભાઈ ઠાકોરના પરિવારની મુલાકાતે જાણીતા સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ પહોંચ્યા હતા. અકસ્માત બાદ કમાનાર વ્યક્તિ જ પથારીવશ થઈ જવાથી આ પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય અને કફોડી બની ગઈ હતી.

આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓઝરપાડાના યુવાન અમિત પટેલે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ અને ખેરગામના ડૉ. નિરવ ભુલાભાઈ પટેલને આ પરિવારની આપવીતી જણાવી હતી. જે બાદ ડૉ. નિરવ પટેલે તાત્કાલિક ખારવેલ ખાતે આ પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને દિવાળીના પાવન અવસર પર પરિવારને પૂરા એક મહિના ચાલે તેટલું અનાજ અને કરિયાણું પૂરું પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પત્ની અને વૃદ્ધ માતાની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે ભાવુક થઈને જણાવ્યું હતું કે, “આ પરિવારમાં 90 વર્ષની વૃદ્ધ માતા અને પોતાના પતિની થાક્યા વગર અવિરત સેવા કરી રહેલી પત્ની ખરેખર ધન્યવાદને પાત્ર છે.” તેમણે ઉમેર્યું હતું કે આ પીડિત પરિવારને હાલ આર્થિક અને સામાજિક મદદની ખૂબ જ જરૂરિયાત છે.

સમગ્ર સમાજને સહાય માટે અપીલ ડો. નિરવ પટેલે દાનશુરો અને સખી દાતાઓને અપીલ કરી છે કે, જો કોઈ આ પરિવારને મદદરૂપ થવા ઈચ્છતું હોય, તો તેઓ સ્થાનિક આગેવાન અમિત પટેલનો મોબાઈલ નંબર 9727375197 પર સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈ શકે છે. આપણી નાની એવી સહાય પણ આ પરિવારના જીવનમાં અંધકાર દૂર કરી સાચી દિવાળી લાવી શકે છે. આ સેવાકીય અને માનવતાવાદી પ્રસંગે ડૉ. નિરવ પટેલની સાથે સામાજિક આગેવાન વિજય કટારકર, કાર્તિક, કૃણાલ સહિતના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here