ખેરગામ: ખેરગામ તાલુકાના વડપાડા ગ્રામ પંચાયતમાં વિકાસના નામે આવેલી ગ્રાન્ટોમાં વ્યાપક નાણાકીય ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરાઈ હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે સ્થાનિક વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો છે. પંચાયત તંત્ર દ્વારા ભ્રષ્ટાચારના પુરાવાઓ દબાવવા અને કાગળોમાં ચેડાં કરવાના નાપાક પ્રયાસો થઈ રહ્યા હોવાનો પર્દાફાશ થતાં જાગૃત નાગરિક અને એડવોકેટ દ્વારા સમગ્ર મામલો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવાની કાનૂની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
Decision News ને પ્રાપ્ત વિગતો મુજબ, વડપાડા ગ્રામ પંચાયતના વહીવટી કારભાર અને ખર્ચના અસલ રેકર્ડની પ્રમાણિત નકલો મેળવવા માટે જાગૃત નાગરિક અને ધારાશાસ્ત્રી એડવોકેટ મિતેશભાઈ દિનેશભાઈ પટેલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI Act 2005) હેઠળ અરજી કરવામાં આવી હતી. પરંતુ નિયમ મુજબ ૩૦ દિવસની વૈધાનિક મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તલાટી-કમ-મંત્રી દ્વારા કોઈ જ માહિતી પૂરી પાડવામાં આવી ન હતી.
કાયદાકીય જવાબદારીમાંથી છટકવા માટે જાવક નંબર વગરનો અને પાછલી તારીખ (Back-dated) દર્શાવતો પત્ર મોકલીને ગેરકાયદેસર બહાનાબાજી કરવામાં આવી હતી. આ મામલે કાયદેસરની આખરી નોટિસ આપવા સાથે પ્રથમ અપીલ અધિકારી (TDO, ખેરગામ) સમક્ષ અપીલ દાખલ કરાતા તંત્ર દબાણમાં આવ્યું હતું.
ત્યારબાદ તલાટી-કમ-મંત્રી દ્વારા અચાનક નવો પત્ર પાઠવી આગામી તારીખ ૦૪/૧૧/૨૦૨૬ ના રોજ સ્થળ નિરીક્ષણ માટે રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. અસલ દસ્તાવેજોની નકલો આપવાને બદલે માત્ર સ્થળ તપાસનું નાટક રચી ભ્રષ્ટાચારના પુરાવાઓ નષ્ટ કરવા અથવા રેકર્ડમાં ફેરફાર કરવાનો મલીન ઈરાદો હોવાનો આક્ષેપ એડવોકેટ દ્વારા કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટમાં PIL / Writ Petition ની તૈયારી: તલાટી સામે સસ્પેન્શન અને દંડની માંગ
અરજદાર અને એડવોકેટ મિતેશ પટેલે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, જાહેર દસ્તાવેજો છુપાવવા એ RTI એક્ટ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. તલાટીના આ મનસ્વી અને શંકાસ્પદ વલણ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ પિટિશન દાખલ કરવામાં આવશે, જેમાં જવાબદાર અધિકારીને વ્યક્તિગત પક્ષકાર (Respondent in Personal Capacity) તરીકે જોડીને તેમની સામે ખાતાકીય તપાસ, સસ્પેન્શન તથા દંડની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત પંચાયતનું સમગ્ર વહીવટી રેકર્ડ સીલ કરવાની માંગ સાથે કાનૂની લડાઈ વધુ તીવ્ર બનાવવામાં આવશે.











