નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલી 73-AA નિયંત્રિત સત્તાપ્રકારની આદિવાસીઓની જમીનમાં વાંસદા પ્રાંતની કોર્ટ સમક્ષ ખોટી બાહેધરી આપી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવા અને છેતરપિંડી આચરવા અંગે ગંભીર વિવાદ સામે આવ્યો છે. આ મામલે અરજદાર વિજયભાઈ બાબુભાઈ ઉચ્ચકટારે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી સામાવાળાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોજે આછવણી ગામના હટી ફળિયામાં આવેલ બ્લોક નંબર 540 વાળી ખેતીની જમીન પર સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી કે બિનખેતી (NA) મંજૂરી મેળવ્યા વિના જ મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. વર્ષ 1999થી ગોળનું કોલું અને ત્યારબાદ વર્ષ 2015થી ગેરકાયદેસર રીતે સાબુની ફેક્ટરી, ઈંટનો ભઠ્ઠો તેમજ 17 જેટલી દુકાનોનું શોપિંગ કોમ્પ્લેક્સ ઊભી કરીને વ્યવસાયિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. અગાઉ ખેરગામ મામલતદાર દ્વારા કરાયેલી તપાસમાં પણ આ જમીન મહેસૂલ કાયદાની કલમ 73-AA હેઠળ શરતભંગની કાર્યવાહી કરવા માટેનો સ્પષ્ટ અભિપ્રાય અપાયો હતો.
વાંસદા નાયબ કલેક્ટરની કોર્ટમાં ચાલેલા કેસ નં. 17/2025 દરમિયાન જમીન માલિક રાહુલભાઈ જશવંતભાઈ ચૌધરી અને અન્ય સામાવાળાઓએ પોતાની વગનો ઉપયોગ કરી પોતે કાયદાથી અજ્ઞાન હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. તેમણે આગામી 3 મહિનામાં એટલે કે મે 2026 સુધીમાં સ્થળ પરથી ગેરકાયદેસર પતરાનો શેડ સંપૂર્ણપણે હટાવી દઈ જમીન પર માત્ર ખેતી કરવાની લેખિત બાહેધરી આપી હતી. આ લેખિત ખાતરીના આધારે વાંસદા પ્રાંત અધિકારીએ ગત 25 ફેબ્રુઆરી 2026 ના રોજ શરતભંગની નોટિસ પરત ખેંચી કેસ ફાઈલ કરવાનો હુકમ કર્યો હતો.
કોર્ટે આપેલી 3 મહિનાની મુદત પૂર્ણ થઈ જવા છતાં આજદિન સુધી સ્થળ પરથી આ ગેરકાયદેસર બાંધકામો કે ફેક્ટરી હટાવવામાં આવી નથી અને તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી કોર્ટ સમક્ષ છેતરપિંડી આચરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે સામાવાળાઓ પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને રાજકીય વગના જોરે તંત્રની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. વિજય ઉચ્ચકટારે કહ્યું કે રૂપિયાથી કાયદા પણ હાથમાં લેવાય અને બધું જ ખરીદી લેવાય તેવું માનતા બંને ભાઈઓ જાહેરમાં કહી રહ્યા છે કે અમારા માથે મંત્રીનો હાથ છે એટલે અમારું કોઈ કઈ તોડી નથી લેવાનું…
કલેક્ટર સમક્ષ કડક કાર્યવાહીની માંગ
અરજદાર વિજયભાઈ ઉચ્ચકટારે કલેક્ટર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે કોર્ટને ગેરમાર્ગે દોરનારા વગદારો સામે કાયદાકીય પગલાં ભરી ગેરકાયદેસર બાંધકામો તાકીદે સીલ કરી તોડી પાડવામાં આવે. તેમજ મંજૂરી વિના આદિવાસીઓની જમીનનો વ્યવસાયિક દુરુપયોગ કરવા બદલ આ જમીન ‘શ્રી સરકાર’ દાખલ કરવાની શરતભંગની કડક કાર્યવાહી ત્વરિત શરૂ કરવામાં આવે.











