વ્યારા: તા. ૩૧ ઓક્ટોબરના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે રૂબરૂ આવેદન આપવા અને રજૂઆત કરવા જઈ રહેલા આદિવાસી યુવા આગેવાનોની વ્યારા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આદિવાસી સમાજ અને લોકશાહી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન અને બંધારણીય અધિકારો સાથે જોડાયેલા અત્યંત ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે એડ. જીમ્મી પટેલ, અખિલ ચૌધરી, પંકજ પટેલ, કુંજનભાઈ ઢોડિયા, જીમ્મી ગામિત અને હિતેશ ચૌધરી સહિતના યુવા આગેવાનો વડાપ્રધાનને મળવા નીકળ્યા હતા. પરંતુ તાપી પોલીસે તેઓની અધવચ્ચે જ અટકાયત કરી લીધી હતી.
આદિવાસી યુવાનોના મુખ્ય 5 મોટા પ્રશ્નો:
1. જંગલ જમીનના હક: જંગલ જમીનના અધિકારો અને વર્ષોથી અટકેલી પડતર સનદોનો પ્રશ્ન. 2. સોલાર પ્રોજેક્ટ: સોલાર પ્લાન્ટ માટે થઈ રહેલા જમીન સંપાદનનો પ્રશ્ન. 3. NTPC પ્લાન્ટ: NTPC ન્યુક્લિયર પ્લાન્ટ સંબંધિત સ્થાનિકોની સમસ્યાઓ. 4. નેશનલ હાઈવે-56: હાઈવે નિર્માણમાં સંપાદિત જમીનો અને તેના વળતરનો મુદ્દો. 5. GIDC પ્રોજેક્ટ: GIDC માં આદિવાસીઓની જમીનો અને તેમના બંધારણીય અધિકારોનો પ્રશ્ન.
યુવા આગેવાનોએ જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજના પડતર પ્રશ્નો દેશના વડાપ્રધાન સમક્ષ રજૂ કરવા જવું એ લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. આવા વ્યાજબી પ્રશ્નો સાંભળવાને બદલે યુવા આગેવાનોને ડિટેન કરવામાં આવતા લોકશાહી અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે ગંભીર સવાલો ઊભા થાય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ માત્ર વિરોધ કરવાનો નથી, પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નોનું બંધારણીય અને લોકશાહી માર્ગે શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો છે. જળ, જંગલ, જમીન અને આદિવાસી અધિકારો માટેનો અવાજ આ રીતે અટકાવી શકાશે નહીં.











