ચીખલી: રશિયા મોકલવાના અને ત્યાં સારી નોકરી-ધંધો અપાવવાના બહાને ગણદેવીના એક એજન્ટ દ્વારા ચિખલી અને વલસાડ પંથકના ચાર મધ્યમવર્ગીય આશાસ્પદ યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકો દ્વારા નવસારીના પોલીસ અધીક્ષક સમક્ષ ન્યાય મેળવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આરોપી એજન્ટ કૃણાલ રાણા રહે. ગણદેવી, જિ. નવસારી જે વિદેશ મોકલવાના એજન્ટ તરીકે કામ કરે છે તેણે ભોગ બનનાર અલ્પેશભાઈ નાનુભાઈ પટેલ,જીગ્નેશકુમાર મોરારજીભાઈ પટેલ,સન્નીકુમાર રમણભાઈ પટેલ અને શૈલેષભાઈ ગમનભાઈ પટેલને વિશ્વાસમાં લઈ રશિયા મોકલવા માટે અને ત્યાં સ્થાયી કરવાના બહાને લાખો રૂપિયા તેમજ ડોલર પડાવ્યા હતા. જેમાં જુદા-જુદા યુવકો પાસેથી અંદાજે 2,60,000 રોકડા અને ડોલર (400 અને 37,000 સુધી) મેળવવામાં આવ્યા હતા.કૃણાલ રાણાએ વાયદા મુજબ યુવકોને રશિયા તો મોકલી આપ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ રહેવા, જમવા કે કોઈ પણ પ્રકારના કામધંધાની વ્યવસ્થા કરી આપી ન હતી. જેના કારણે યુવકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને પરેશાન થઈ પરત ફરવું પડ્યું હતું. પોતાની મહેનતની કમાણી ગુમાવી ચૂકેલા આ મધ્યમવર્ગીય પરિવારોના યુવકો હાલ ભારે માનસિક અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
યુવકોએ આક્ષેપ કર્યો છે કે છેતરપિંડી આચર્યા બાદ આરોપી પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો છે. અગાઉ તા. 08/09/2025 ના રોજ ચિખલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવા છતાં હજુ સુધી આરોપી વિરુદ્ધ કોઈ નક્કર કાયદેસરની કાર્યવાહી કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, જેને પગલે આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે. અરજદારોએ નવસારી એસપીને અપીલ કરી છે કે આ ગંભીર છેતરપિંડીના મામલામાં અંગત રસ દાખવી, ચિખલી પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ધોરણે એફ.આઈ.આર. (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓના ડૂબેલા નાણાં પરત અપાવવામાં આવે.આ મામલે તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલ દ્વારા ચીખલી પોલીસની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને ઉચ્ચ અધિકારી કક્ષાએથી પીડિતોને ન્યાય મળશે એવી અપેક્ષા રાખી છે.











