ગાંધીનગર: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં યુવાનોમાં વધી રહેલી બેરોજગારી, નાણાકીય અજાગૃતિ અને તેના કારણે દિન-પ્રતિદિન વધતા જતા આર્થિક બોજ અંગે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારના આદિવાસી વિકાસ વિભાગના સચિવને પત્ર લખીને આદિવાસી વિસ્તારોના યુવાનો અને પરિવારોની આર્થિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ડો. નિરવ પટેલે પત્રમાં જણાવ્યું છે કે, આદિવાસી વિસ્તારોમાં અનેક પરિવારો પોતાની મર્યાદિત આવક હોવા છતાં પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે. પરંતુ બીજી તરફ, નિયમિત આવક કે કાયમી રોજગાર ન ધરાવતા યુવાનોમાં સ્માર્ટફોન અને અન્ય મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવા માટે EMI અને Buy Now Pay Later (BNPL) જેવી સરળ ધિરાણ સુવિધાઓનો વપરાશ ખૂબ વધી ગયો છે. પોતાની ચુકવણી ક્ષમતાનો યોગ્ય અંદાજ મેળવ્યા વિના લેવાતી આવી ધિરાણને કારણે યુવાનો: ભારે વ્યાજદર અને વિલંબ ફી (Late Fees) ના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે. ક્રેડિટ સ્કોર બગડવાથી ભવિષ્ય માટેની બેંક લોન મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. માનસિક અને આર્થિક તણાવનો ભોગ બની રહ્યા છે.

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા યુવાનોના રોજગાર અને આર્થિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દા પર કરવામાં આવેલી આ રજૂઆતને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે સમર્થન મળી રહ્યું છે. સરકાર આ બાબતે તાત્કાલિક અને સકારાત્મક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here