કેવડિયા: દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના હકો, અસ્મિતા અને અધિકારોની રક્ષા માટે ચાલી રહેલા આંદોલનોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોને બચાવવા માટે આગામી 31 ઓક્ટોબરે ‘ચાલો કેવડિયા’ નું જોરદાર આહ્વાન કરવામાં આવ્યું છે.

ઉમરગામથી લઈને અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં હાલ વિવિધ વિકાસકીય પ્રોજેક્ટો અને નીતિઓને કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનના સમર્થકો અને આયોજકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં બંધારણની પાંચમી અનુસૂચિ લાગુ હોવા છતાં, ગ્રામસભાની ફરજિયાત મંજૂરી વગર આદિવાસીઓની જમીનો બળજબરીપૂર્વક છીનવી લેવામાં આવી રહી છે.

પડતર પ્રશ્નો અને મુખ્ય મુદ્દાઓ: હાઈવે નંબર 56 પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની બાબતો, GIDC પ્રોજેક્ટો અને એનટીપીસી (NTPC) પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ, મોટા પાયે આયોજિત સોલાર પ્રોજેક્ટો અને તેનાથી સ્થાનિકો પર પડતી અસરો, વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ વર્ષોથી પેન્ડિંગ પડેલા દાવાઓની જમીનો પરથી આદિવાસીઓને ખદેડવાના પ્રયાસો.

આ તમામ ગંભીર મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવા અને આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે ચાલી રહેલા સંઘર્ષને વ્યાપક સમર્થન આપવા અપીલ કરાઈ છે. આદિવાસી સમાજના અસ્તિત્વ, સંસ્કૃતિ અને હકોની રક્ષા માટે અવાજ ઉઠાવવા ઈચ્છુક તમામ નાગરિકો અને સંગઠનોને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એકત્રિત થઈ આ આંદોલનને બળ પૂરું પાડવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here