નાનાપોંઢા: છેલ્લા કેટલાક સમયથી નાનાપોંઢા તાલુકા કોંગ્રેસમાં પ્રમુખપદને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે શનિવારે સુખદ અંત આવ્યો છે. અરનાલા ખાતે યોજાયેલી ખાસ બેઠકમાં સ્થાનિક આગેવાનો, પૂર્વ અને વર્તમાન સરપંચો તેમજ સભ્યોની હાજરીમાં મોટા પોંઢાના ગિરીશ પટેલની નાનાપોંઢા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અરનાલા ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમાં પૂર્વ પ્રમુખ હરેશ પટેલની કામગીરી સામે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આગેવાનોનો આક્ષેપ હતો કે છેલ્લા ૫ વર્ષથી પક્ષના સંગઠનાત્મક કાર્યક્રમો અને ચૂંટણી પ્રચારમાં પૂર્વ પ્રમુખ દ્વારા પૂરતો રસ લેવામાં આવતો ન હતો. આ નિષ્ક્રિયતાના કારણે કાર્યકરોમાં વ્યાપેલા અસંતોષને દૂર કરવા અને તાલુકામાં કોંગ્રેસ સંગઠનને પુનઃ સક્રિય કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.
જિલ્લાના પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે સર્વાનુમતે પસંદગી
આ ચિંતન બેઠકમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને ઉપપ્રમુખને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવા છતાં તેઓ અગમ્ય કારણોસર હાજર રહ્યા ન હતા. ત્યારબાદ બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના પીઢ આગેવાનો, પૂર્વ અને વર્તમાન સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તથા કાર્યકરોએ એકસૂરે ગિરીશ પટેલના નામને સમર્થન આપ્યું હતું અને તેમની પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી.
વરણી બાદ નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલે જણાવ્યું હતું કે, “આગામી સમયમાં આવી રહેલી સરપંચ અને વિધાનસભાની ચૂંટણીઓમાં તાલુકાના તમામ નાના-મોટા આગેવાનો અને કાર્યકરોને સાથે રાખીને પક્ષના મૂળિયાં મજબૂત કરવામાં આવશે.” બીજી તરફ, તાલુકા પંચાયતનાં મહિલા સભ્ય કુંજાલી પટેલે પણ નવા પ્રમુખની વરણીને હૃદયપૂર્વક આવકારી હતી અને ગિરીશ પટેલના અનુભવી નેતૃત્વ હેઠળ નાનાપોંઢા તાલુકામાં કોંગ્રેસ નવી ઊંચાઈઓ આંબશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગિરીશ પટેલની પ્રમુખ તરીકે પસંદગી થતાં જ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.











