દક્ષિણ ગુજરાત: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સાપ અને માનવ વચ્ચેના વધતા સંઘર્ષને અટકાવવા તથા જીવના જોખમે સ્નેક રેસ્ક્યુ કરતા સ્થાનિક યુવાનોના હિતમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજના ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વન-પર્યાવરણ અને આદિજાતિ વિકાસ વિભાગને પત્ર લખીને આદિવાસી યુવાનોને સરકારી માન્યતા, સુરક્ષા અને રોજગાર પૂરો પાડવા ભારપૂર્વક માંગ કરી છે.
ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી યુવાનોના પર્યાવરણીય અને પ્રકૃતિ લક્ષી જ્ઞાનને માત્ર ‘સ્વયંસેવા’ પૂરતું મર્યાદિત ન રાખતા, જો તેને રોજગાર, સન્માન અને સુરક્ષા સાથે જોડવામાં આવે, તો વન્યજીવ સંરક્ષણ, માનવજીવનનું રક્ષણ અને સ્થાનિક સ્તરે આર્થિક સશક્તિકરણ એમ ત્રણેય હેતુઓ એકસાથે સિદ્ધ થઈ શકે તેમ છે.
રજૂઆતમાં દર્શાવ્યા મુજબ, રહેણાક મકાનો, ખેતરો અને શાળાઓમાં સાપ નીકળે ત્યારે આ સ્થાનિક યુવાનો કોઈ પણ નિશ્ચિત વેતન, વીમા કવચ કે યોગ્ય સાધનો વિના પોતાના ખર્ચે સ્થળ પર પહોંચી માનવજીવન અને વન્યજીવો બંનેનું રક્ષણ કરે છે. આ કામગીરી અત્યંત જોખમી હોવાથી સર્પદંશ કે અકસ્માતનો ભય સતત રહે છે. આથી, તેમની સેવાનો સદુપયોગ કરવા સરકારી સ્તરે ‘આદિવાસી યુવા સાપ રેસ્ક્યુ અને સંરક્ષણ યોજના’ શરૂ કરવી અનિવાર્ય બની છે.
રજૂઆતમાં કરાયેલી મુખ્ય માંગણીઓ: સરકારી માન્યતા અને ઓળખપત્ર: યોગ્ય ચકાસણી અને કૌશલ્ય મૂલ્યાંકન બાદ તાલીમબદ્ધ યુવાનોની સરકારી નોંધણી કરી તેમને સત્તાવાર આઈ-કાર્ડ (ઓળખપત્ર) આપવામાં આવે. રોજગાર અને ભરતી: વન વિભાગમાં ‘વન્યજીવ રેસ્ક્યુ સહાયક’ અથવા સમકક્ષ જગ્યાઓ ઊભી કરી પારદર્શક પ્રક્રિયા દ્વારા સ્થાનિક આદિવાસી યુવાનોની ભરતી કરવામાં આવે. આર્થિક વળતર: રેસ્ક્યુ દરમિયાન થતા મુસાફરી અને ઇંધણ ખર્ચ માટે યોગ્ય પ્રતિ-રેસ્ક્યુ વળતર અથવા માસિક માનદ વેતન નક્કી કરાય. સુરક્ષા સાધનો અને વીમો: આધુનિક રેસ્ક્યુ સાધનો, સેફ્ટી કીટ અને અકસ્માત વીમાની સુવિધા ફરજિયાત પૂરી પાડવામાં આવે. વૈજ્ઞાનિક તાલીમ: સાપની સાચી ઓળખ, વૈજ્ઞાનિક પદ્ધતિથી રેસ્ક્યુ અને સર્પદંશની પ્રાથમિક સારવાર (First Aid) અંગે નિષ્ણાતો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે. હેલ્પલાઇન: તાલુકા સ્તરે ઝડપી પ્રતિસાદ (Quick Response) માટે અલગ રેસ્ક્યુ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે.
પ્રથમ તબક્કામાં વલસાડ, ડાંગ, સુરત, નવસારી અને તાપી જેવા દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ જિલ્લાઓમાં આ યોજના પ્રાયોગિક ધોરણે (Pilot Project) શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવી છે.











