ખેરગામ: લોકજીવનના ઉત્સવોનો મિજાજ વિસ્તાર અને વસ્તી પ્રમાણે અલગ અલગ હોય છે. શક્તિના પર્વ્  નવરાત્રી નિમિતે  ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નવા નવ દિવસ ગરબાન ગાઈને ઉજવણી કરવામાં આવે છે. તો બીજી તરફ કુકણા આદિવાસીઓ માટે નવરાત્રીનો ઉત્સવ  પિતૃદેવોનો ઉત્સવ હોય છે. કુકણાઓના કુળ દીઠ પીઢી નામનું સંગઠન હોય છે. અને પીઢીનાં મુખ્ય માણસનાં ઘરે કુળના પિતૃદેવો રાખવામાં આવતા હોય છે. પિતૃદેવોની સાથે  પીઢીનાં પાંચ મુખ્ય દેવો  ખંડેરાવ, બહેરામ, મુન્જેદેવ, ભોવાની અને હનવતની  તાંબાના  પતરા પર ચાંદીથી મઢેલ  પાંચકોણી ટાટ હોય છે. પુરુષનાં  પિતૃદેવ નાં ટાટને “ વીર “ કહેવાય છે. અને સ્ત્રીનાં  પિતૃદેવને “ સુપલી: કહેવાય છે. જે  ઘર મંદિરમાં આ ટાટ (મૂર્તિઓ) રાખવામાં આવે છે તે ઘર મંદિરને પીઢી કહેવાય છે.

પિતૃદેવોની રોજ રોજ પૂજા કે દીવા બત્તી કરવાની પરંપરા નથી. પણ, આસો અને ચૈત્ર નવરાત્રી દરમિયાન પિતૃદેવોને દુધથી નવડાવવામાં આવે છે. આસો નવરાત્રી દરમિયાન પિતૃ દેવોને નવે નવ દિવસ વારાફરતી કુરડુંનાં ફૂલોની, ખરસાનીના ફૂલોની, રાનભીંડીના ફૂલોની  ડાંગરની તાજી  કંટીમાંથી મમરા બનાવી તેની માળા ચઢાવવાની પરંપરા છે.  મહારાષ્ટ્ર વિસ્તારના કુકણાઓ  નવરાત્રી દરમિયાન “ ઘટ્યાદેવ / ઘર્યા દેવ “નામનો ઉત્સવ ઉજવે છે અને તે દરમિયાન ઢાક નામના વાદ્યનાં તાલે  દેવગીતો ગાવાની પરંપરા છે. આદિવાસી વારલી જાતિમાં નવરાત્રી દરમિયાન ગાંઠ વગરનાં  ઉંચા વાંસ “ દેવકાઠી “ ને  થાંભલીનાં ટેકે અદ્ધર ઉભીરાખીને તારપા પર આખી રાત નૃત્ય કરી ઉત્સવ મનાવવામાં આવે છે.

આદિવાસી વિસ્તારમાં વર્ષો પહેલાં ગણેશ ઉત્સવ કે નવરાત્રીની ઉજવણી કે રાવણ દહનની ઉજવણી જવલ્લે જ થતી હતી. પણ હવે ગામે ગામ અને ફળીયે ફળીયે નવરાત્રી ઉજવાય છે. અને એની ઝાકમઝોળ ઉજવણીમાં પિતૃદેવ અને  દેવકાઠીની પરંપરા હાંસિયામાં જતી રહી છે,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here