સાપુતારા/કપરાડા: ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન ધામ સાપુતારા ખાતે આવેલી સાંદીપની વિદ્યા સંકુલની હોસ્ટેલના બાથરૂમમાંથી ગત 15 ઓક્ટોબરના રોજ કપરાડા તાલુકાના આદિવાસી સમાજના વિદ્યાર્થી અંકીતભાઈ બાલુભાઈ શાહરેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનામાં પરિવારે ગંભીર આક્ષેપો કરતાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. યુથ લીડર કુંજાલી પટેલ જયેન્દ્ર ગાંવિત અને પરિવારજનો દ્વારા આ મામલે સાપુતારા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં નોંધાયેલા અહેવાલ અનુસાર, પરિવારે હોસ્ટેલ સંચાલકો અને શાળા પ્રશાસન પર શંકાની સોય ચીંધી છે:
-
જાણ કર્યા વગર લાશ ઉતારી દીધી: માતા-પિતા કે પરિવારના સભ્યો સ્થળ પર પહોંચે તે પહેલાં જ અને તેમને જાણ કર્યા વિના જ લાશને લટકેલી હાલતમાંથી નીચે ઉતારી દેવામાં આવી હતી.
-
ફોટો-વિડિયોગ્રાફી પર પ્રતિબંધ: મૃતકનો ભાઈ ઘટનાસ્થળે હાજર હોવા છતાં તેને ઘટનાસ્થળના કે લાશના ફોટોગ્રાફ્સ કે વિડિયોગ્રાફી કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી.
-
પ્રિન્સિપાલનું બેજવાબદાર વલણ: પરિવારે આક્ષેપ કર્યો છે કે શાળાના પ્રિન્સિપાલે પરિવારજનો સાથે ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે, તમારાથી થાય તે કરી લો, અમે અમારા હિસાબે પ્રોસેસ કરીશું.
આ તમામ શંકાસ્પદ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને પરિવારે આ મામલો સાદી આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે. આ બનાવ સંદર્ભે યોગ્ય તપાસ થાય અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ડાંગ એસ.પી. (SP), ડાંગ કલેક્ટર, ડાંગ DEO અને ડાંગ DDO ને લેખિતમાં ફરિયાદ સોંપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.











