વાંસદા: આજે રાવણ દહનના કાર્યક્રમના રિપોર્ટિંગ કરવા માટે વાંસદાના એક સરપંચના પતિએ Decision Newsની કિંમત કરી નાખી અને સીધેસીધી રીતે કહ્યું કે, “500 રૂપિયા આપું, કવરેજ કરવા આવો. 100 રૂપિયાનું પેટ્રોલ જશે, હું તો 400 તો બચાવી લઈશ…”
આ વાત સાંભળીને કોઈપણ સ્વતંત્ર પત્રકાર આઘાત પામે તેવી જ છે. Decision News કે અન્ય કોઈપણ સ્વતંત્ર મીડિયા સંસ્થાએ અત્યાર સુધી કોઈ પણ ઘટનાના કવરેજ માટે પૈસા લીધા નથી અને નહીં જ લે. છતાં સત્તાના નશામાં ચૂર આ સરપંચ પતિને એટલું અભિમાન ચઢી ગયું છે કે તેઓ માને છે કે આદિવાસી સમાજના સ્વતંત્ર મીડિયાને પણ ખરીદી શકાય.
Decision News સ્પષ્ટપણે જણાવે છે કે, “જો આ સરપંચ પતિ Decision Newsની જાહેર માફી નહીં માગે તો અમે તેમનું નામ સહિત આખી વાત ખુલ્લી પાડવામાં જરા પણ અચકાશું નહીં. આદિવાસી સમાજના સ્વતંત્ર મીડિયાને ખરીદવાની વાત કરનારને અમે ક્યારેય માફ નહીં કરીએ.”
આ બાબતે ધારાસભ્ય અનંત પટેલ સાથે પણ વાત કરવામાં આવી હતી અને તેમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. સ્વતંત્ર પત્રકારત્વ કોઈ વ્યક્તિની સત્તા કે પૈસાથી ખરીદી શકાય તેવું નથી. Decision News આદિવાસી સમાજની વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવા માટે કામ કરે છે, અને આવા પ્રયાસોને અમે ક્યારેય સ્વીકારીશું નહીં. જો માફી નહીં માગવામાં આવે તો Decision News આ સરપંચ પતિનું નામ જાહેર કરીને આખી વાત લોકો સમક્ષ મૂકશે.
(નોંધ: જો માફી નહિ માગે તો ફોટોગ્રાફ અને નામ આપી આ સરપંચ પતિને ખુલ્લો પાડવામાં આવશે)











