ભરૂચ: ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી ભરૂચ જિલ્લામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં ત્રણ મુખ્ય સ્થળોએ ‘ગ્રામ હાટ’ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત અંકલેશ્વર GIDC બસ ડેપો, ભરૂચ ભોલાવ બસ ડેપો અને જંબુસર બસ ડેપો ખાતે ગ્રામ હાટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સખી મંડળો અને સ્વસહાય જૂથો (Self Help Groups) સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા અનેકવિધ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ગ્રામ હાટ શરૂ થવાથી બહેનોને તેમનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે બસ ડેપો જેવા જાહેર અને અવરજવર વાળા સ્થળોએ ઉત્તમ મંચ પ્રાપ્ત થશે. આ પહેલથી: સ્થાનિક હસ્તકલા, પરંપરાગત વસ્તુઓ અને ઘરગથ્થુ ઉત્પાદનોને નવી ઓળખ મળશે. સ્વસહાય જૂથોની મહિલાઓ સીધી ગ્રાહકો સુધી પહોંચી શકશે. મહિલાઓની આવકમાં વધારો થશે અને સ્વરોજગારીની નવી તકો ઊભી થશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડિંપલબેન વિક્રમસિંહ રાજ, જિલ્લા ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ એમ. પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જયેશભાઈ આહીર, શાસક પક્ષના નેતા શ્રી મગનભાઈ પટેલ તથા DRDA ના નિયામકશ્રી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે રિબિન કાપીને ગ્રામ હાટ ખુલ્લા મુકાયા હતા.
આ ઉપરાંત, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર શ્રી પ્રવીણ વસાવા, જિલ્લા APM શ્રી આશિષ પ્રજાપતિ, શ્રી અંકિત જાદવ, શ્રી નિલેશ રાઠોડ, તાલુકા લાઇવલીહૂડ મેનેજર્સ, જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











