ધરમપુર: ધરમપુર સબજેલમાં ફરજ બજાવતા કર્મચારી હરેશ લાલજીભાઈ ગાંગોડા સામે એક પરિણીત મહિલાની ફરિયાદના આધારે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ થયા બાદ આરોપી હરેશ ગાંગોડાએ પોતે અપરિણીત હોવાનું જૂઠું બોલીને લગ્નનું વચન આપ્યું હતું. તેણે મહિલાને પોતાના પતિ પાસેથી છૂટાછેડા લઈ લેવા જણાવ્યું હતું અને વર્ષ 2023થી અત્યાર સુધી ધરમપુર, વલસાડ, વાપી અને મહેસાણાના વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે મહિલાએ લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે પોતાની અંગત પરિસ્થિતિ અંગેનો એક ખાનગી વીડિયો માત્ર આરોપી હરેશને મોકલ્યો હતો. પરંતુ આરોપીએ તેની મંજૂરી વગર આ વીડિયો અન્ય વ્યક્તિને મોકલી દીધો હતો. તે વ્યક્તિએ ગામના અન્ય લોકોને વીડિયો બતાવીને મહિલાની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
મહિલાએ કહ્યું કે, વોટ્સએપ ચેટ, સોશિયલ મીડિયા મેસેજ, કોલ રેકોર્ડ અને વીડિયો સંબંધિત પુરાવાઓની તપાસ કરવામાં આવે. સાથે જ ફરિયાદ પાછી ખેંચવા અને સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી તેણે પોતાના અને પરિવારની સુરક્ષા આપવા માંગ કરી હતી. આ સિવાય, ગત 21 જૂનના રોજ ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના ભેરવી ફળિયા ખાતે ભાવેશ ગાંગોડાના મકાન પાછળ આવેલા ખેતરમાં આરોપી હરેશ, તેની બહેન ભારતી, પિતરાઈ ભાઈ અનીલ ગાંગોડા અને અનીલની પત્ની વર્ષાએ ભેગા મળીને ફરિયાદી મહિલાને ગાળો આપી, માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધરમપુર પોલીસે આ ચારેય જણા સામે પણ અલગથી ફરિયાદ નોંધી છે.











