વલસાડ: ગતરોજ વલસાડ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા ‘TB મુક્ત ગ્રામ પંચાયત સન્માન સમારોહ’માં ખેરલાવ ગ્રામ પંચાયતે એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર ગામમાં ઉત્કૃષ્ટ આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરીને ખેરલાવ પંચાયતને ‘TB મુક્ત ગ્રામ પંચાયત – ગોલ્ડ કેટેગરી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ સિદ્ધિથી સમગ્ર ખેરલાવ ગામમાં આનંદ અને ગૌરવની લહેર પથરાઈ ગઈ છે.
આ ભવ્ય સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી અતિરાગ ચપલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ખેરલાવ ગ્રામ પંચાયતને આ ગોલ્ડ કેટેગરીનું સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવાયું હતું કે આ સફળતા ખેરલાવના સમગ્ર પરિવારને સમર્પિત છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, ગ્રામ પંચાયતની ટીમ અને ખેરલાવના જાગૃત ગ્રામજનોની અથાક મહેનત અને સક્રિય સહભાગિતાના કારણે જ ગામ આ સ્થાન પ્રાપ્ત કરી શક્યું છે. TB મુક્ત ગામ બનવાની આ સિદ્ધિ સ્વસ્થ, સ્વચ્છ અને સશક્ત ખેરલાવ નિર્માણ તરફનું એક મજબૂત અને પ્રેરણાદાયી પગલું સાબિત થશે.











